જામનગર સહિત સમગ્ર હાલારમાં બર્ફીલા પવન સાથેે ઠારનો કહેર જોવા મળ્યો છે, અત્યાર સુધીમાં જામનગરમાં આજે સૌથી નીચુ તાપમાન જોવા મળ્યું છે, ઉત્તર-પૂર્વના તમામ રાજયોમાં ગાઢ ધુમ્મસ સાથે શીત લહર થઇ છે ત્યારે જામનગરમાં ૧૧, નલીયામાં ૯ અને રાજકોટમાં ૧૦ ડીગ્રી તાપમાન પહોંચ્યું છે, હજુ ૩ દિવસ સુધી હવામાન ખાતાએ જણાવ્યું છે કે, કડકડતી ઠંડી પડશે, એક તરફ બંગાળની ખાડીમાં ડીપ્રેશન સર્જાયું છે ત્યારે જામનગર જિલ્લામાં પણ કોલ્ડવેવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, લોકો ગરમ કપડામાં વિંટળાયા છે, ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે, હવે ખરેખર આ શિયાળાની શરૂઆત થઇ છે તેમ લોકો કહી રહ્યા છે.
આજે સવારે ૨૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, જેને કારણે જનજીવન પર ભારે અસર થઇ હતી, બસ અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી હતી, ગામડામાં ટાઢોડાને કારણે જનજીવન પર ભારે અસર થઇ છે, રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે. જામનગર મહાપાલીકા દ્વારા રસ્તા ઉપર અને ફુટપાથો ઉપર સુતેલા લોકોને સેલ્ટર હોમમાં ખસેડવાની ચાલું રાખવામાં આવી છે, હજુ પણ ઠંડી પડશે તેવી આગાહી હોય ભીક્ષુકોને સમજાવીને સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.
ખાસ કરીને લઘુતમ તાપમાન ૧૧ ડીગ્રીએ પહોંચ્યું છે, સાંજે અને સવારે ૨૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, રાજસ્થાન તેમજ જમ્મુ-કાશ્મીર, હીમાચલ પ્રદેશમાં બરફની વર્ષા થઇ રહી છે તેની અસર ગુજરાત ઉપર જોવા મળી છે, ગામડાઓમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડીની ભારે અસર પડી છે અને લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતાં ત્યારે આવનારા દિવસોમાં વધુ ઠંડી પડવાને કારણે શિયાળુ પાકમાં પણ સારી એવી અસર થશે તેવું લાગી રહ્યું છે. ખરેખર તો આ વખતે ખાસ કોઇ ઠંડી પડી નથી, સામાન્ય રીતે ૧૪ જાન્યુઆરી બાદ ઠંડી ઘટતી જાય છે પણ હવામાન ખાતુ કહે છે કે, તા.૨૪ સુધી ઠંડી રહેશે અને વચ્ચે એકાદ-બે દિવસ તાપમાનમાં એક-બે ડીગ્રીનો વધારો થશે.
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળે છે, શહેરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ઋતુ બદલાતા તાવ, શરદી, ઉધરસના કેસો પણ વઘ્યા છે, જામનગર શહેર અને ગામડામાં કમળાના દર્દીઓનું પ્રમાણ વઘ્યું છે, આ વખતે શિયાળામાં ખાસ કોઇ ઠંડી પડી નથી. ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો હજુ વધુ ઠંડી પડે તો જીરૂ, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે.