જામનગરમાં ઠંડો પવન ફુંકાવાનું શરૂ થઇ ચૂકયું છે, ગઇકાલે સાંજે વાતાવરણમાં થોડો પલ્ટો આવતાં ઠંડો પવન ફુંકાયો હતો જેને કારણે વાતાવરણમાં ટાઢોડુ જોવા મળ્યું હતું અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે તેવી આગાહી કરી છે. ત્યારે ગઇકાલથી ગરમ કપડામાં વિંટળાયા છે, ગામડાઓમાં પણ ઠંડીનો બોકાસો બોલી ગયો હતો અને ઠંડો પવન હોવાના કારણે બજારો વહેલી બંધ થઇ ગઇ હતી અને તાપમાન બે ડીગ્રી નીચે ઉતરી જતાં હાલારમાં ટાઢોડા જેવું વાતાવરણ થયું હતું. ગામડાઓમાં પણ ગઇકાલે સાંજે અને આજે સવારે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૨.૪ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૫ થી ૧૦ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.
ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો ઠંડી પડે તો જીરૂ, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે, જો કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વઘ્યું છે. ગઇકાલે આછેરી ઝાકળ પણ જોવા મળી હતી, ખેડુતો હવે ખેતીના કામમાં લાગી ગયા છે, જમ્મુ-કાશ્મીરમાં પણ તાપમાન ૦ થી નીચે ચાલ્યું ગયું છે તેવી રીતે આબુમાં પણ માઇનસ ડીગ્રી તાપમાન ચાલે છે ત્યારે દિવસો ગુજરાત માટે મહત્વના બની રહેશે.
ગઇકાલે જુનાગઢ અને નલીયામાં લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે ઉતરી ગયું હતું જયારે રાજકોટમાં થોડી વધ-ઘટ બાદ ૧૨ ડીગ્રીએ પહોંચ્યું હતું, ઠંડા પવનનો વાયરો શરૂ થઇ ચુકયો છે, જયારે ગામડાઓમાં પણ રાત્રે વ્હેલી બજારો બંધ થઇ જાય છે, ત્રણ દિવસથી ઠંડી વધી છે, ત્યારે લોકો પણ ગરમ કપડામાં વિંટળાયા છે, છેલ્લા અઠવાડીયાથી ગરમ કપડા વેંચતા દુકાનદારોની ઘરાકીમાં પણ વધારો થયો છે, જો કે ગરીબ અને મઘ્યમ વર્ગ માટે નાગનાથ ગેઇટ, ટાઉનહોલ, રણજીતનગર સહિતના વિસ્તારોમાં રેકડીઓમાં રૂ.૧૦૦ થી ૩૦૦ સુધીમાં ગરમ કપડા વેંચાઇ રહ્યા છે જે લોકો માટે આર્શીવાદસમાન છે અને ત્યાં પણ ઘરાકી વધી છે.