જામનગરના સોમનાથ સોસાયટી વિસ્તારમાં મકાન ખાલી કરવા બાબતે પાડોશીઓ વચ્ચે ડખ્ખો થયો હતો જેમા એકબીજાને લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ઇજા કર્યાની સામ સામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તાર સોમનાથ સોસાયટી શેરી નં. ૧૬માં રહેતા મજુરી કરતા રાહુલ ખીમાભાઇ ચાવડા (ઉ.વ.૨૮) નામના યુવાનને મકાન ખાલી કરી કેમ ગયેલ નથી, ખોટી ખટખટ કરવાનું બંધ કરી દે તેમ કહીને ઉશ્કેરાઇને આરોપીએ લાકડી વડે મારવા જતા તે નમી જતા તેની માતા વિજયાબેનને માથામાં ઇજા થઇ હતી ઉપરાંત આરોપીએ ફરીયાદીના બહેન સરલાબેનને માથામાં લાકડી ઝીંકી દઇ હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચાડી હતી.
ઉપરાંત અન્ય બે આરોપીઓએ ઢીકાપાટુ વડે માર મારી એકબીજાને મદદગારી કરી હતી, આ અંગે રાહુલ ચાવડા દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં સોમનાથ સોસાયટી શેરી નં. ૧૬માં રહેતા શકિત કાનજી કુકડીયા, લાલજી કાનજી કુકડીયા, ભારતીબેન શકિત કુકડીયા, આરતીબેન લાલજી કુકડીયાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.
સામા પક્ષે સોમનાથ સોસાયટીમાં રહેતા મજુરી કરતા દિનેશ ઉર્ફે લાલજી ઉર્ફે ટીનો કાનજી કુકડીયા (ઉ.વ.૪૦)એ સીટી-સીમાં રાહુલ ખીમા ચાવડા, ખીમા રણમલ ચાવડા, સરલાબેન વિપુલ આરઠીયા અને કાજલબેન ખીમા ચાવડાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી તેમજ આરોપીઓ આજુબાજુમાં રહેતા હોય અને મકાન ખાલી કરવા બાબતે આરોપી રાહુલે ફરીયાદીના ભાઇને અપશબ્દો કહી બધાને જાનથી મારી નાખવાની ધમકી દઇ મુંઢ ઇજા પહોચાડેલ તેમજ અન્ય આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે માથાના ભાગે ઇજા કરી હતી, ફરીયાદીની પુત્રી પાલીને કપાળના ભાગે લાકડી મારી હતી અને અન્ય એક આરોપીએ ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી હતી.