રાજકોટ જિલ્લા પં.ના પૂર્વ પ્રમુખ–ઉપપ્રમુખની બેઠક અનામત થઈ જતાં નવી બેઠક પર દાવો
રાજકોટ જિલ્લા પં.ના પૂર્વ પ્રમુખ–ઉપપ્રમુખની બેઠક અનામત થઈ જતાં નવી બેઠક પર દાવો
April 06, 2026 05:02 PM
રાજકોટ : ચૂંટણી આયોગ દ્રારા પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી તે પહેલા બેઠકોનું રોટેશન અનામતના મામલે જાહેર કરવામાં આવ્યું હતું અને આ રોટેશનના કારણે અનેક આગેવાનોના ગણિત બગડી ગયા છે. પોતાને પોતાની સીટ પરથી જ ટિકિટ મળશે તેવી આશા રાખીને બેઠેલા આગેવાનોને પોતાની મૂળ સીટ પર જીતવાનું પ્રમાણમાં આસાન હતું. પરંતુ આવી બેઠકો પર અનામત જાહેર થઈ જતા હવે ચૂંટણી લડવા માટે આવા નેતાઓ દોડધામમાં પડી ગયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માગતા અનેક આગેવાનો સલામત બેઠકની શોધમાં લાંબા સમયથી હતાં અને હવે આવી બેઠકો પરથી ચૂંટણી લડવાની પૂરી તૈયારી પણ થઈ રહી છે. સલામત બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ઈચ્છા અને દાવેદારી પણ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવિણાબેન રંગાણી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી લડવા માગતા નથી તેવી અનેક વખત વાતો બહાર આવી હતી. પરંતુ હવે તે પણ મેદાનમાં આવી ગયા હોવાનું બોલાઈ રહ્યું છે. પ્રવિણાબેન રંગાણી ગત ચૂંટણીમાં કુવાડવા બેઠક પરથી ચૂંટણી લડયા હતા પરંતુ આ બેઠક અનામત જાહેર થઈ જતા હવે તે બીજી બેઠક પરથી ચૂંટણી લડશે. મોટાભાગે બેડી બેઠકની પસંદગી થઈ રહી હોવાનું બોલાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગરની સીટ પણ બદલાઈ ગઈ છે અને તેમણે હવે મોવિયા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યકત કરી હોવાનું બોલાઈ રહ્યું છે. જિલ્લા પંચાયતના રાજકારણ સાથે ઘનિ રીતે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ આણંદપર, બેડી અને સરધારમાં દાવેદારોનો રાફડો ફાટો છે. રાજકોટ તાલુકાની આ બેઠકો પરથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની સંખ્યા વધુ છે. રાજકોટ તાલુકામાં જિલ્લા પંચાયતની છ બેઠક આવે છે. અને તેમાં ટિકિટ માગનારાઓની સંખ્યા ભાજપમાં ૬૦ થી વધુ હોવાનું બહાર આવ્યું છે. એક પરિવાર એક હોદાના નિયમ પ્રમાણે ટિકિટ ફાળવવામાં આવશે તેવી જાહેરાત ભાજપ દ્રારા અગાઉ કરવામાં આવી છે. જોકે રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાના પત્નીએ પણ ટિકિટ માટે દાવો કર્યેા હોવાની વાતો બહાર આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન સુનિતાબેન ચાવડાના પતિ રાજેશભાઈ ચાવડાએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. આવી જ રીતે ગત ટર્મમાં શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા અલ્પનાબેન મુકેશભાઈ તોગડીયાએ પણ પારડીની ક્રી અનામત જાહેર થયેલી બેઠક પર ટિકિટ માટે દાવો કર્યેા છે. થોડા સમય અગાઉ કોંગ્રેસ છોડીને ભાજપમાં એન્ટ્રી મેળવનાર રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, કારોબારી ચેરમેન, વિરોધ પક્ષના નેતા જેવા અનેક હોદ્દાઓ પર રહી ચૂકેલા અર્જુનભાઈ ખાટરીયાએ પણ ટિકિટ માટે ડિમાન્ડ કરી હોવાનું બોલાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીના ચેરમેન તરીકે અગાઉની ટર્મમાં રહી ચૂકેલા ભાનુબેન ધીરુભાઈએ પડધરીની ક્રી અનામત બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે. આ ઉપરાંત પૂર્વ સંગઠન મંત્રી સહિતનાઓ સંગઠન માળખાના પણ અનેક હોદ્દેદારો ચૂંટણી લડવા થનગની રહ્યા હોવાનું જાણવા મળે છે