BREAKING NEWS

અમદાવાદ પ્લેન ક્રેશ: કેપ્ટન સભરવાલે છેલ્લા શ્વાસ સુધી સ્ટિયરિંગ પકડી રાખ્યું હતું, શબઘરના દ્રશ્યો જોઈ પ્રત્યક્ષદર્શી ધ્રુજી ઉઠ્યો'તો

  • May 18, 2026 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનાના આશરે એક વર્ષ બાદ, પ્લેનના પાઇલટની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠાને લઈને એક અત્યંત હૃદયદ્રાવક સત્ય સામે આવ્યું છે. દુર્ઘટનાનો ભોગ બનનારા કમનસીબ મુસાફરોના મૃતદેહો જ્યાં રાખવામાં આવ્યા હતા, તે શબઘર (મોર્ગ)ની મુલાકાત લેનાર એક પ્રત્યક્ષદર્શીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, પ્લેન ક્રેશ થયા બાદ પણ પાઇલટનો મૃતદેહ વિમાનના સ્ટિયરિંગ વ્હીલને ચુસ્તપણે ચોંટેલો હતો. આ વિગતો પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે પાયલટે અંતિમ સેકન્ડ સુધી વિમાનમાં સવાર મુસાફરોના જીવ બચાવવા માટે લોહીનું છેલ્લું ટીપું રેડી દીધું હતું.


સંબંધીઓની લાશ ઓળખવા ગયેલા પ્રત્યક્ષદર્શીએ વર્ણવ્યું 'નર્ક' જેવું દ્રશ્ય

આ ઘટનાના પ્રત્યક્ષદર્શી રોમિન વોહરાએ જણાવ્યું કે, તે કોવિડ-૧૯ મહામારી દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. હોસ્પિટલમાં ઓળખાણ હોવાના કારણે તે પોતાના સગા સંબંધીઓના મૃતદેહની ઓળખ કરવા માટે શબઘરની અંદર જઈ શક્યો હતો. રોમિને આ વિમાન અકસ્માતમાં પોતાની કાકી યાસ્મીન, લંડનની એમેઝોન કંપનીમાં કામ કરતા ભાઈ પરવેઝ અને માત્ર ત્રણ વર્ષની માસૂમ ભત્રીજીને ગુમાવ્યા હતા.


શબઘરની અંદરના ભયાનક દ્રશ્યો વર્ણવતા રોમિને કહ્યું કે, ત્યાંનું દ્રશ્ય કોઈ નર્ક જેવું જ હતું. જમીન પર ચારેય તરફ લાશોના ઢગલા પડ્યા હતા અને કાળજું કંપાવી દે તે રીતે કપાયેલા માથા અને અંગો વિખરાયેલા હતા. ત્યાં એક સળગેલી માતાનો મૃતદેહ પણ હતો, જેણે મરણતોલ સ્થિતિમાં પણ પોતાના બાળકને છાતી સરસો ચાંપી રાખ્યો હતો.


પાઇલટની બહાદુરીના પુરાવા

રોમિન વોહરાના દાવા મુજબ, વિમાનના પાઇલટ-ઇન-કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલનો મૃતદેહ શબઘરના એક ખૂણામાં અલગથી રાખવામાં આવ્યો હતો. મૃત્યુ પછી પણ તેઓ સીટ પર બેઠા હોય તેવી જ સ્થિતિમાં હતા. વિમાનમાં લાગેલી આગને કારણે તેમની પીઠનો ભાગ બળી ગયો હતો, પરંતુ શરીરનો આગળનો ભાગ સંપૂર્ણપણે અકબંધ હતો.


તેમણે વધુમાં ઉમેર્યું કે, કેપ્ટનનો ચાર સોનાના પટ્ટા વાળો સફેદ શર્ટ, કાળી ટાઈ, ટ્રાઉઝર અને જૂતા બધું જ અકબંધ દેખાતું હતું. સૌથી આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી બાબત એ હતી કે, કેપ્ટન સભરવાલે વિમાનના ડબલ-હેન્ડલ યોક (સ્ટીયરીંગ વ્હીલ) પર પોતાના હાથની પકડ મજબૂત રાખેલી હતી. કદાચ અકસ્માતની ભયાનક અથડામણ દરમિયાન અથવા બચાવકર્તાઓએ જ્યારે તેમને કોકપીટમાંથી બહાર કાઢ્યા હશે, ત્યારે તે વ્હીલ ત્યાંથી તૂટી ગયું હશે પરંતુ કેપ્ટનના હાથમાંથી છૂટ્યું નહોતું. શબઘરના એક ડૉક્ટરે પણ આ વાતને સમર્થન આપ્યું છે. ઉડ્ડયન નિષ્ણાતોના મતે, આ સ્થિતિ દર્શાવે છે કે પાયલટે હાર નહોતી માની અને છેલ્લી ઘડી સુધી પ્લેન કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.


પ્રારંભિક રિપોર્ટમાં 'પાઇલટની ભૂલ' હોવાની આશંકા સામે પરિવારનો કાનૂની જંગ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ૧૨ જુલાઈના રોજ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા એક પ્રારંભિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે, પ્લેને જેવા રનવે પરથી ટેકઓફ કર્યું, તેના તુરંત બાદ માત્ર એક જ સેકન્ડના અંતરાલમાં બંને એન્જિનમાં ઇંધણ (ફ્યુઅલ) પુરવઠો બંધ થઈ ગયો હતો. આ રિપોર્ટ બહાર આવ્યા પછી એવી અટકળો વહેતી થઈ હતી કે કદાચ આ મોટી દુર્ઘટના પાઇલટની કોઈ ભૂલના કારણે સર્જાઈ હોઈ શકે છે.


જોકે, કેપ્ટન સુમિત સભરવાલના પરિવારે અને દેશના પાઇલટ સંગઠનોએ આ સરકારી પ્રારંભિક અહેવાલ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. કેપ્ટનના પિતા પુષ્કરાજ સભરવાલ અને 'ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સ' દ્વારા આ મામલે દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)માં અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે કોર્ટમાં દલીલ કરી છે કે, આ પ્રકારના અપૂર્ણ અહેવાલો એવા બહાદુર પાઇલટોની છબીને ખરડે છે અને તેમને બદનામ કરે છે, જેઓ આજે દુનિયામાં નથી અને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે જીવિત પણ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News