ડિજિટલ ઇન્ડિયા અભિયાનની સફળતા સાથે દેશભરમાં ડિજિલોકરનો ઉપયોગ રોકેટ ગતિએ વધ્યો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય ઓળખપત્રોને લોકો હવે પોતાના મોબાઈલમાં ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખતા થયા છે.
આવા સમયે સામાન્ય નાગરિકોના મનમાં એક મોટો સવાલ એ ઊઠી રહ્યો છે કે, શું ડિજિલોકર હવે બેંક લોકરનો કાયમી વિકલ્પ બની શકે ખરું? આ બાબતે આર્થિક અને કાનૂની ક્ષેત્રના નિષ્ણાતોનું શું માનવું છે અને બંને લોકર વચ્ચે શું તફાવત છે, તેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.
નાણાકીય અને કાનૂની વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ડિજિલોકર અને બેંક લોકર બંનેની પોતાની અલગ-અલગ ભૂમિકા અને વિશેષતાઓ છે. આ બંને સુવિધાઓ એકબીજાની પૂરક બની શકે છે, પરંતુ કોઈ એક સુવિધા બીજી સુવિધાને સંપૂર્ણપણે નાબૂદ કરી શકે તેમ નથી.
ડિજિલોકર આપણને કઈ સુવિધાઓ આપે છે?
ડિજિલોકર એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક અત્યંત સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર નાગરિકો સરકાર દ્વારા જારી કરાયેલા પોતાના મહત્વના દસ્તાવેજોની ડિજિટલ નકલ (Digital Copy) સાચવી શકે છે. આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ દસ્તાવેજોને ઇન્ટરનેટના માધ્યમથી ગમે ત્યાંથી ઓનલાઇન મેળવી શકાય છે. તેમજ રેલવે સ્ટેશન, એરપોર્ટ કે ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ દરમિયાન ડિજિલોકરમાં રહેલા દસ્તાવેજોને અસલ દસ્તાવેજ સમાન જ કાનૂની માન્યતા આપવામાં આવી છે.
બેંક લોકરની જરૂરિયાત શા માટે હંમેશા રહેશે?
નિષ્ણાતોના મતે ડિજિટલ ક્રાંતિ છતાં કેટલાક દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓની 'ઓરિજિનલ કોપી' (અસલ નકલ) ભૌતિક સ્વરૂપે સાચવવી અત્યન્ટ અનિવાર્ય હોય છે. મિલકત-જમીનના અસલ દસ્તાવેજો, વસીયતનામું, પાવર ઓફ એટર્ની, ટ્રસ્ટ ડીડ અને અન્ય કોર્ટ કચેરીના કાગળો માત્ર સ્કેન કરેલી કોપીના આધારે માન્ય રહેતા નથી. કાનૂની વિવાદો કે ખરીદ-વેચાણ વખતે અસલ કાગળો જ રજૂ કરવા પડે છે. કિંમતી દાગીના, સોના-ચાંદીના સિક્કા અને શેર સર્ટિફિકેટ જેવી ભૌતિક સંપત્તિને ડિજિટલ ફોર્મેટમાં રાખી શકાતી નથી. આવી કિંમતી વસ્તુઓને ચોરી, આગ કે કુદરતી આફતોથી બચાવવા માટે બેંક લોકર આજે પણ સૌથી સુરક્ષિત માધ્યમ છે.
ડિજિટલ સુરક્ષા વચ્ચે સાવચેતી પણ જરૂરી
ડિજિલોકરમાં ડેટાની સુરક્ષા માટે હાઇ-એન્ડ એન્ક્રિપ્શન અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આમ છતાં આજના યુગમાં સાયબર ગુનેગારો દ્વારા ફિશિંગ લિંક્સ, નકલી વેબસાઇટ્સ અને ઇમેઇલ ફ્રોડ જેવા જોખમો હંમેશા તોળાતા રહે છે. તેથી યુઝર્સે ક્યારેય પણ પોતાના લોગિન આઈડી, પાસવર્ડ કે ઓટીપી (OTP) અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કરવા જોઈએ નહીં.
બંનેનો સંતુલિત ઉપયોગ કરો
આર્થિક તજજ્ઞો નાગરિકોને સલાહ આપતા જણાવે છે કે સ્માર્ટ વ્યવસ્થાપન માટે બંને લોકરનો સંતુલિત ઉપયોગ કરવો હિતાવહ છે. તમામ કિંમતી વસ્તીઓ અને દસ્તાવેજોની અસલ નકલો બેંક લોકરમાં અથવા ઘરની કોઈ સુરક્ષિત તિજોરીમાં રાખવી જોઈએ, જ્યારે તેની ડિજિટલ નકલો ડિજિલોકરમાં સેવ કરી લેવી જોઈએ. આનાથી દસ્તાવેજોની ભૌતિક સુરક્ષા પણ જળવાઈ રહેશે અને કટોકટીના સમયે કે મુસાફરી દરમિયાન તેને મોબાઈલથી સરળતાથી એક્સેસ પણ કરી શકાશે.