સીએમ સાહેબ, કામો થતા નથી, અધિકારીઓ ગાંઠતા નથી તેવો કચવાટ પણ દૂર કરતાં જજો

  • March 26, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં લગભગ છેલ્લા દસ મહિનાથી અવારનવાર પાર્ટી સંકલનની મીટીંગ તેમજ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ અને જનરલ બોર્ડની મિટિંગમાં એક એવો સૂર શાસક પક્ષ ભાજપના કોઇને કોઇ હોદેદાર કે કોર્પોરેટરમાંથી ઉઠી રહ્યો છે કે કામો થતા નથી અને અધિકારીઓ ગાંઠતા નથી...! આવી ફરિયાદો કોઈ એક વ્યક્તિની નથી પરંતુ સમયાંતરે અલગ અલગ હોદ્દેદારો અને અલગ અલગ પદાધિકારીઓ આવો બળાપો મીટીંગમાં ઠાલવી ચુક્યા છે. રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાની ચિંતા કરીને જે રીતે આજે આઇકોનિક બ્રિજ અને અન્ડરપાસ તેમજ રીંગરોડ-૨ ફોર ટ્રેકનું ઉદઘાટન કરી ટ્રાફિક સમસ્યા ઉકેલવાના શ્રીગણેશ કર્યા છે તે રીતે રાજકોટના હોદેદ્દારો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને જાહેર જનતાના કામો પૂર્વવત રીતે થવા લાગે તે માટે અધિકારીઓ, ઇજનેરો કે સંબંધિત જવાબદારીઓને કંઇક કડક સુચના કે ઠપકો આપતા જજો તેવી લાગણી સહ માંગણી ૨૫ લાખ રાજકોટવાસીઓમાંથી ઉઠવા પામી છે. ગુજરાત રાજ્યના લોકલાડીલા તેમજ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટના મહેમાન બન્યા છે ત્યારે આ સમસ્યા પણ ઉકેલતા જાય તેવી લોકમાંગણી છે.

રાજકોટ શહેરનો વિકાસ છેલ્લા ૧૦ મહિનાથી ઠપ્પ થઇ ગયો હોય તેવી સ્થિતિ છે અને રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હવે પુરા ૧૦ મહિનાનો સમય પણ બાકી રહ્યો નથી. આ સંજોગોમાં વિકાસ કામોમાં થતો અવરોધ સર્વગ્રાહી રીતે ઈચ્છનીય નથી અને જાહેર જનતાના સર્વાંગી હિતમાં પણ નથી. કોર્પોરેટરો શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો કે મ્યુનિસિપલ પદાધિકારીઓ જે કંઇ ફરિયાદ કરતા હોય કે કામો સૂચવતા હોય તે લોકો તરફથી તેમને મળેલી ફરિયાદો સૂચનો કે રજૂઆતો અંતર્ગતના જ કામો હોય છે તેમ છતાં વિકાસ કામો સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક રૂંધાઈ રહ્યા છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ સૂચવે કે ફરિયાદ કરે તેનું સોલ્યુશન થતું ન હોય તો સામાન્ય નાગરિકો ફરિયાદ કરે તે ઉકેલાય તેવી તો આશા રાખવી જ અસ્થાને છે ! રાજકોટની જનતા સ્થાનિક સ્તરેથી લઈને ગાંધીનગર સુધી અવારનવાર રજૂઆત કરે છે પરંતુ હજુ પણ સ્થિતિ થાળે પડી નથી અને ક્યારે થાળે પડશે તેનો કોઈ અંદાજ નથી ત્યારે આગામી નાણાકીય વર્ષની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી શરૂ થાય તેની સાથે જ રાજકોટમાં વિકાસકામોની ગાડી ફરી પાટે ચડી જાય અને પૂર્વવત દોડવા લાગે તે માટે મુખ્યમંત્રી જરૂરી દિશા નિર્દેશ આપતા જાય તે જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application