લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસની સુનાવણી દરમિયાન પુણેની વિશેષ કોર્ટમાં એક અણધારી ઘટના બની હતી. હિન્દુ વિચારક વિનાયક દામોદર સાવરકરના કથિત અપમાન સાથે સંકળાયેલા કેસમાં મુખ્ય પુરાવા તરીકે એક સીડી રજૂ કરવામાં આવી હતી. જોકે, જ્યારે કોર્ટમાં ચલાવવામાં આવી ત્યારે તે ખાલી નીકળી. મેજિસ્ટ્રેટ અમોલ શિંદે આ કેસની સુનાવણી કરી રહ્યા છે. સાવરકરના પ્રપૌત્ર, સાત્યકી સાવરકરે ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ લંડનમાં ભાષણ દરમિયાન સાવરકર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
સીલબંધ સીડી ખોલ્યા પછી નવો વણાંક
અહેવાલ મુજબ, કથિત ભાષણનો વીડિયો સીલબંધ સીડીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે અગાઉ સુનાવણી દરમિયાન આ સીડી કોર્ટમાં ચલાવવામાં આવી હતી, અને તેના આધારે રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જોકે, ગુરુવારે સુનાવણી દરમિયાન જ્યારે સીડી ખોલીને ચલાવવામાં આવી ત્યારે બધા ચોંકી ગયા. સીડીમાં કોઈ ડેટા નહોતો. ફરિયાદીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ સંગ્રામ કોલ્હાટકર પણ આ જોઈને ચોંકી ગયા. તેમણે કોર્ટને યાદ અપાવ્યું કે આ જ સીડી કોર્ટ દ્વારા અગાઉ જોઈ હતી અને કાર્યવાહી તેના પર આધારિત હતી.ખાલી સીડી જાહેર થયા પછી, કોલ્હાટકરે યુટ્યુબ પર સીધા ભાષણ જોવાની પરવાનગી માંગી. રાહુલ ગાંધીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મિલિંદ દત્તાત્રેય પવારે સખત વાંધો ઉઠાવ્યો, દલીલ કરી કે ઑનલાઇન સામગ્રી પોતે જ અધિકૃત નથી. મેજિસ્ટ્રેટ શિંદેએ આ વાંધો સ્વીકાર્યો, અને કહ્યું કે યુઆરએ ને ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65-B અનુસાર પ્રમાણપત્ર મળ્યું નથી, અને તેથી, પુરાવા તરીકે અસ્વીકાર્ય છે. કલમ 65-બી હેઠળ, કોઈપણ ઇલેક્ટ્રોનિક રેકોર્ડને કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકારવા માટે પ્રમાણીકરણ પ્રમાણપત્ર જરૂરી છે.
વધુ બે સીડી રજૂ કરવાનો પ્રયાસ પણ નિષ્ફળ
આ પછી, સાંસદો અને ધારાસભ્યો સામેના કેસ માટેની વિશેષ અદાલતે વધારાની સીડી બતાવવાની વિનંતી કરતી સાત્યકીની અરજીને પણ નકારી કાઢી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવી કોઈ સીડી રેકોર્ડ પર અસ્તિત્વમાં નથી. 14 નવેમ્બરના રોજ સાત્યકીની ઊલટતપાસ દરમિયાન પુરાવા તરીકે રજૂ કરાયેલી સીડી, જેમાં 2023માં લંડનમાં રાહુલ ગાંધીને વાંધાજનક ભાષણ આપતા દર્શાવવાનો દાવો કરવામાં આવ્યો હતો, તે ચલાવી શકાઈ નહી. તપાસમાં બહાર આવ્યું કે સીડીમાં કોઈ ડેટા નથી. સાત્યકિ સાવરકરના વકીલ સંગ્રામ કોલ્હાટકરે કોર્ટને સાત્યકિ સાવરકર લિંક ચલાવવાની મંજૂરી આપવા વિનંતી કરી, પરંતુ કોર્ટે ઇનકાર કરી દીધો.
સુનાવણી શુક્રવાર સુધી મુલતવી
કોલ્હાટકરે ખાલી સીડીનો ખુલાસો અને ન્યાયિક તપાસની માંગણી કરીને સ્ટે આપવાની વિનંતી કરી. પવારે તેનો વિરોધ કર્યો, પરંતુ કોર્ટે આખરે શુક્રવાર સુધી સુનાવણી મુલતવી રાખી. આ સમગ્ર ઘટનાએ કેસમાં એક નવો નાટકીય વળાંક લાવ્યો છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે અગાઉ વગાડવામાં આવતી સીડી કેવી રીતે ખાલી થઈ ગઈ.