નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. ભારતનું બજેટ માત્ર દેશની અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ વિદેશ નીતિ અને પ્રાદેશિક પ્રભાવને આકાર આપવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. દર વર્ષે વિદેશ મંત્રાલય હેઠળ કરવામાં આવતી ફાળવણી એ દર્શાવે છે કે ભારત કયા દેશોને વિકાસ કાર્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવીય સહાય માટે પ્રાથમિકતા આપે છે.
સરકારે પોતાની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિને વધુ મજબૂત બનાવી છે. વિદેશ મંત્રાલયના કુલ રૂ.20,516 કરોડના બજેટમાંથી આશરે રૂ.5,483 કરોડ વિદેશી દેશોને સહાય આપવા માટે રાખવામાં આવ્યા છે.
ભારત સરકારે બજેટ 2026-27માં બાંગ્લાદેશને 60 કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. ગત બજેટમાં પાડોશી દેશને 34.48 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઈ હતી. વિદેશ મંત્રાલય તરફથી 120 કરોડ રૂપિયાની ડિમાન્ડ બાંગ્લાદેશ માટે કરાઈ હતી. જેને બજેટમાં ઘટાડી દેવાઈ છે. જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં મોહમ્મદ યૂનુસની આગેવાની વાળી વચગાળાની સરકારે કમાન સંભાળી છે ત્યારબાદથી પાડોશી દેશ સાથે ભારતના સંબંધો વધુ બગડ્યા છે. પરંતુ તેમ છતા ભારત સરકાર ખુબ જ સતર્કતા અને ઉદારતાથી સંબંધો આગળ વધારી રહી છે.
ભારતના બજેટથી કયા કયા દેશોને કેટલો ફાયદો?
ભૂતાન: ભારતની સહાય મેળવનારા દેશોમાં ભૂતાન રૂ.2,150 કરોડ સાથે ટોચ પર
નેપાળ: નેપાળને રૂ.700 કરોડ ફાળવવામાં આવ્યા
માલદીવ: માલદીવને આપવામાં આવતી સહાયમાં વધારો કરીને રૂ.600 કરોડ કરાઈ
શ્રીલંકા: આર્થિક સંકટમાંથી બહાર આવી રહેલા શ્રીલંકા માટે સહાય વધારીને રૂ.300 કરોડ કરાઈ
મ્યાનમાર: માનવીય જરૂરિયાતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારોને પહોંચી વળવા માટે સહાય રૂ.250 કરોડથી વધારીને રૂ.350 કરોડ કરાઈ
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાન માટેની સહાય રૂ.200 કરોડથી ઘટાડીને રૂ.100 કરોડ કરવામાં આવી છે. ભારત અત્યારે અફઘાનિસ્તાન સાથે માત્ર માનવીય સહાય પૂરતું જ જોડાયેલું છે.
આફ્રિકન દેશો: કુલ મળીને રૂ.225 કરોડની સહાય.
યુરેશિયા અને લેટિન અમેરિકા: આ વિસ્તારો માટે કુલ રૂ.100 કરોડ ફાળવાયા (લેટિન અમેરિકા માટે અલગથી રૂ.60 કરોડની જોગવાઈ હતી).
ઈરાન: ઈરાન માટે રૂ.100 કરોડની વિશેષ ફાળવણી કરાઈ
મોરેશિયસ: અહીં સહાય થોડી ઘટાડીને રૂ.500 કરોડ કરાઈ
સેશેલ્સ: સેશેલ્સ માટેની ફાળવણી ઘટાડીને રૂ.19 કરોડ કરાઈ