BREAKING NEWS

ગુજરાતમાં ઝડપાયેલા 5 આતંકી અંગે મોટો ઘટસ્ફોટઃ આઠ વાર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ, ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો'તો

  • July 17, 2026 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ને રાજ્યમાં આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા સાંપડી છે. આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરીને એટીએસની ટીમે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે સંકળાયેલા વધુ પાંચ સક્રિય આતંકીઓની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તમામના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. 

અગાઉ ત્રણ જુલાઈએ ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન કરીને આઠ આતંકીઓની ધરપકડ કરી હતી. આ શખસો જૈસ-એ-મોહમ્મદના મોડ્યુલને સક્રિય કરવા માટે કાવતરું ઘડી રહ્યા હતા. જે અંગેની ગુપ્ત બાતમી મળતા જ એટીએસ દ્વારા અલગ-અલગ પાંચ ટીમો બનાવીને ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ તેમજ મધ્યપ્રદેશના દેવાસમાંથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં અન્ય સાગરીતોના નામ ખુલતા જ એટીએસ એક્શન મોડમાં આવી હતી વધુ પાંચ દેશવિરોધી તત્વોની ધરપકડ કરવામાં આવી છે.


ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ને રાજ્યમાં આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા સાંપડી છે. દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવાના અભિયાન હેઠળ ગુજરાત એટીએસએ પાકિસ્તાન સ્થિત કુખ્યાત આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વધુ પાંચ સક્રિય આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ પાંચેય આતંકીઓ ગુજરાતના જ અલગ-અલગ જિલ્લાઓમાં છુપાઈને દેશવિરોધી ષડયંત્ર રચી રહ્યા હતા, જેમને એટીએસની ટીમે એક ચોક્કસ ઓપરેશન હાથ ધરીને દબોચી લીધા છે. આ મોટી કાર્યવાહીથી આતંકી સંગઠનના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. આ આતંકીઓ વિસ્ફોટકોનું પરીક્ષણ પણ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.


મળતી માહિતી અનુસાર, આ સમગ્ર કેસમાં ગુજરાત એટીએસએ અગાઉ જૈસ-એ-મોહમ્મદના આઠ આતંકીઓની ધરપકડ કરી હતી. કસ્ટડીમાં લેવાયેલા આ આતંકીઓની સઘન પૂછપરછ અને ટેકનિકલ તપાસ દરમિયાન મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સભ્યોના ચોંકાવનારા નામ સામે આવ્યા હતા. પૂછપરછ દરમિયાન મળેલી મજબૂત વિગતો અને કડીઓના આધારે એટીએસની ટીમે તપાસનો વ્યાપ વધાર્યો હતો. આ નેટવર્ક ગુજરાતમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ સતર્ક બનેલી પોલીસે વધુ પાંચ આતંકીઓને દબોચી લીધા છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર પ્રકરણમાં એટીએસ દ્વારા અગાઉ આતંકી સંગઠન સાથે સંકળાયેલા આઠ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આ આઠેય આરોપીઓની સઘન પૂછપરછ અને ટેકનિકલ તપાસ દરમિયાન આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ અન્ય પાંચ શંકાસ્પદ લોકોના નામ અને મહત્વની કડીઓ પોલીસના હાથે લાગી હતી. આ ચોક્કસ ઈનપુટ્સ અને મજબૂત પુરાવાઓના આધારે એટીએસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી સિદ્ધપુરમાં કાયદેસરના દરોડા પાડીને આ પાંચેય શખસોને ઝડપી પાડ્યા હતા, જેઓ અગાઉ પકડાયેલા આતંકીઓ સાથે જ સીધા સંકળાયેલા હતા.


ધરપકડ કરાયેલા આરોપીઓને અગાઉ બનાસકાંઠા ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં ઊંડાણપૂર્વકની તપાસમાં તેઓ આતંકી પ્રવૃત્તિઓમાં લિપ્ત હોવાનું સ્પષ્ટ થયું હતું. એટીએસને આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાંથી ઘણી બધી કટ્ટરપંથી લિટરેચરની પીડીએફ મળી આવી છે. આ ઉપરાંત, આતંકીઓ જે બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેની રીત દર્શાવતી પીડીએફ અને કેવા પ્રકારના બોમ્બ બનાવવા તેનું જોખમી આતંકી સાહિત્ય પણ મળી આવ્યું છે. આ પાંચેય આરોપીઓ પાસેથી મળેલું સાહિત્ય અને તેમની વિચારધારા સીધી રીતે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી હોવાનું ખુલ્યું છે.


ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓને કડી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસ્ટીક્યુટર (સરકારી વકીલ) પી. આર. દંતાણીએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે આતંકી પ્રવૃત્તિઓના મૂળ સુધી પહોંચવા અને આ ષડયંત્રમાં અન્ય સંડોવાયેલા લોકોની કડીઓ મેળવવા માટે કુલ 13 મહત્વના મુદ્દાઓ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે પાંચેય આરોપીઓના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.​​​​​​​


આઠ વાર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ અત્યંત જોખમી અને પ્રો-જેહાદી વિચારધારા ધરાવે છે. આતંકીઓએ અત્યાર સુધીમાં અલગ-અલગ આઠ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પ્રાયોગિક પરીક્ષણ (ટેસ્ટિંગ) પણ કર્યું હતું. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાએ આ વિસ્ફોટક સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો, જોકે તે પોતાના આ પ્રયાસમાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ આ વિસ્ફોટક સામગ્રી બિલાલ આબિદ શેખ નામના અન્ય શખ્સને પહોંચાડી હોવાનું પણ સામે આવ્યું છે.​​​​​​​


પાકિસ્તાની હેન્ડલર સાથે ટેલિગ્રામથી સંપર્ક અને ફંડિંગ

અગાઉ મદ્રેસાના એક શિક્ષક અને બે વિદ્યાર્થીઓ સહિતના આઠ આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જેઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સીધા સંપર્કમાં હતા. તેઓ સ્થાનિક યુવાનોને કટ્ટરપંથી બનાવવા માટે જેહાદી પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરી રહ્યા હતા. આ નેટવર્ક ઊભું કરવા માટે આતંકીઓને ત્રણ લાખ રૂપિયાનું ફંડિંગ પણ મળ્યું હતું, જેમાંથી તેઓએ અવરજવર માટે એક જૂની કાર ખરીદી હતી. મદ્રેસામાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં, શિક્ષકના મોબાઈલના હોટસ્પોટ અને ટેલિગ્રામ એપ દ્વારા વિદ્યાર્થીઓ પાકિસ્તાની હેન્ડલર સાથે જોડાયા હોવાની આશંકા છે. હાલ એટીએસ તમામ પાસાઓ પર તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application