BREAKING NEWS

બજેટમાં MSME, કાપડ, સેમિકન્ડક્ટરમાં મોટી જાહેરાત, જાણો ગુજરાતને શું ફાયદો થશે

  • February 01, 2026 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય બજેટથી ગુજરાતને અનેક ફાયદા થવા જઈ રહ્યા છે. જેમાં રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે તો એસએમઇ-એમએસએમઇ ગ્રોથ ફંડ માટે દસ હજાર કરોડની જાહેરાત અને સેમિકન્ડક્ટર મિશન આઇએસએમ 2.0 લોન્ચની જાહેરાતથી ગુજરાતમાં એમએસએમઇથી લઈ સેમિકન્ડક્ટરમાં ડંકો વાગશે. 


બજેટમાં એસએમઇ-એમએસએમઇ પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે.


ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી છ જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે. ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે દસ હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે.


ગુજરાત દેશમાં મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે. આ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે. પાંચ લાખથી વધુ વસ્તીવાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયોન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે.


દેશમાં પાંચ મોટા સેમિકન્ડક્ટર પ્લાનને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગુજરાતના ફાળે ચાર આવ્યા છે. આ જાહેરાતથી ગુજરાતને મોટો ફાયદો થશે. વર્ષોથી ગુજરાત હીરા, કેમિકલ અને ફાર્મા સેક્ટરમાં હરણફાળ ગતિએ આગળ વધતું રહ્યું છે. ઉદ્યોગના હબ તરીકે ઓળખાતા આપણા ગુજરાતમાં સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓએ હવે રસ દાખવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં પાંચ મોટા સેમિકન્ડક્ટર પ્લાનને મંજૂરી મળી એમાં આસામને બાદ કરતાં ચાર પ્રોજેક્ટ ગુજરાતના ફાળે આવ્યા છે. આગામી સમયમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ વિશ્વ સમક્ષ ગુજરાતની આગવી ઓળખ ઊભી કરશે.


આજે વિકસિત થઈ રહેલી મોટાભાગની ટેક્નોલોજીમાં સેમિકન્ડક્ટરનો ખૂબ મોટો રોલ હોય છે. નાની-અમથી ચિપ બનાવવામાં આમ તો દાયકાઓથી તાઇવાનની કાબેલિયત છે, હવે વિકસિત દેશો પણ તેની જરૂરીયાતને સમજ્યા એટલે અમેરિકા, રશિયા, જાપાન સહિતના દેશોએ પણ પોતાને ત્યાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થાપવા માટે હોડ લગાવી છે. આવા સમયે ગુજરાતને ચાર-ચાર પ્રોજેક્ટ મળવા એ માત્ર ટેક્નોલોજી જ નહીં પરંતુ રોજગારી, વેપાર તેમજ આસપાસના વિસ્તારના વિકાસ માટે મોટી તક ગણી શકાય.

સોમનાથ, જૂનાગઢ, વલસાડ અને ભાવનગરમાંથી પસાર થતો એનએચ-51 હવે નાળિયેર હાઈવે બની ગયો છે. ખેતરોમાં લહેરાતાં વૃક્ષોથી લઈને ટ્રકોમાં ભરાયેલાં નાળિયેર સુધી. છેલ્લાં પાંચ વર્ષમાં અહીં નાળિયેરની ખેતી ઝડપથી વધી છે. લીલાં, કાચાં, હળવી મીઠાશ ધરાવતાં નાળિયેર હવે આ તટીય વિસ્તારની સૌથી વધુ કમાણી કરાવી આપતો પાક બની ગયો છે .2014-15માં 22,451 હેક્ટરથી વધીને 2024-25માં 28,197 હેક્ટર સુધી નાળિયેરની ખેતી વિસ્તાર લગભગ 26 ટકા વધ્યો છે. હાલમાં ગુજરાત દર વર્ષે 260.9 મિલિયન નાળિયેર ઉત્પન્ન કરે છે, જેમાંથી લગભગ 20 ટકા કાચી અવસ્થામાં તોડવામાં આવે છે. કુલ ઉત્પાદનના દૃષ્ટિકોણે રાજ્ય દેશમાં સાતમા ક્રમે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું પૂરું પ્રભુત્વ છે. અહીં વેચાતા નાળિયેરમાં લગભગ 40 ટકા ગુજરાતમાંથી આવે છે.​​​​​​​


નાણામંત્રીએ બજેટમાં ગુજરાતના  આટલા સ્થળોનો ઉલ્લેખ કર્યો

બજેટમાં જામનગર, સુરત સહિતના શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના પૂરાતત્વ પર્યટન સ્થળો લોથલ અને ધોળાવીરા માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી સિતારમણે કહ્યું હતું કે સરકાર લોથલ અને હસ્તિનાપુર સહિત 15 મુખ્ય પુરાતત્વીય કેન્દ્રો વિકસાવશે. આ કેન્દ્રોને પર્યટન અને શિક્ષણ બંને માટે પ્રોત્સાહન આપવામાં આવશે. સુરતના માર્કેટને ભારતના પૂર્વોત્તર રાજ્યો સાથે જોડવા માટે બંગાળના દાનકુની સાથે જોડતા કાર્ગો ફ્રેઇટ કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application