BREAKING NEWS

જામનગર : ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઇલુ-ઇલુ: કેજરીવાલ

  • December 09, 2025 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પડદા પાછળ રાજકીય ઇલુ-ઇલુ ચાલી રહ્યું છે, એવી સ્ફોટક વાત આજે રાજકોટ ખાતે આપના સુપ્રિમોને મળવા ગયેલા જામનગરના ધારાસભ્ય અને નગરસેવકો સાથે અરવિંદ કેજરીવાલે કરી હતી અને કહ્યું હતું કે, હાલના સંજોગોમાં આ બંને રાજકીય પક્ષોને ઉઘાડા પાડવા માટે જે પ્રયાસો થાય તે કરવા જોઇએ, કારણ કે વાસ્તવમાં ભાજપ અને કોંગ્રેસ બંને પ્રજાને ઉલ્ટા ચશ્મા પહેરાવી રહ્યા છે. 


રાજકોટની મુલાકાતે આવેલા એ.કે. તરીકે ઓળખાતા અરવિંદ કેજરીવાલને મળવા માટે જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા બે દિવસ પહેલા જ આપમાં જોડાયેલા જામ્યુકોના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી, નગરસેવિકા ઝૈનબબેન ખફી અને પૂર્વ નગરસેવક હાજી રીઝવાન જુણેજા મળવા પહોંચ્યા હતાં જયાં ૨૦ મીનીટ સુધી બંધ બારણે અરવિંદ કેજરીવાલે જામનગરની રાજકીય પરિસ્થિતિની વિગતો મેળવી હતી અને માર્ગદર્શનરૂપી વાતચીત કરી હતી. 


આ ચર્ચામાં આપની સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર કોંગ્રેસના કાર્યકરે જુતુ ફેંકવાની ઘટના અંગે પણ વિસ્તૃત ચર્ચા થઇ હતી, જેના જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાષ્ટ્રીય કક્ષાએ, રાજય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ છુપુ ગઠબંધન ચાલી રહ્યું છે અને આ ઇલુ-ઇલુથી લોકો અજાણ છે. 


એમણે કહ્યું હતું કે, લોકોને આ બાબતથી વધુને વધુ માહિતગાર કરવા આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કામ કરશે અને ભાજપ-કોંગ્રેસ બંને સાથે મળીને જે રીતે પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે તેની કેટલીક ચોંકાવતી વિગતો આધાર-પુરાવા સાથે લોકોના દરબારમાં મુકવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application