BREAKING NEWS

રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા આપથી વધુ જોખમ

  • April 22, 2026 08:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીથી વધુ જોખમ છે તેવું ગણિત મંડાઈ રહ્યું છે. જો પૂર્ણ બહુમતી સાથે ભાજપનું શાસન આવે તેમ છતાં આપ એક બેઠક પણ મેળવી જાય તો ભાજપ માટે નાક કપાયા જેવી સ્થિતિ થશે. રાજકોટમાં કોંગ્રેસ વર્ષોથી વિપક્ષ તરીકે છે અને ચારથી ૧૨ બેઠક મેળવવાનો તેનો નિશ્ચિત રેશિયો રહ્યો છે, પરંતુ જો આપ એક બેઠક ઉપર પણ જીતી જાય તો મહાપાલિકામાં પાંચ વર્ષ સુધી ઉધમ મચાવી ધમપછાડા કરે તે નક્કી છે. આ
બાબત ભાજપના નેતાઓ સુપેરે સમજે જ છે તેથી જ આપનું ખાતું જ ખુલે તેવી જડબેસલાક વ્યૂહ રચના તૈયાર કરાય છે પરંતુ મતદારો જ વિફરે ત્યારે કોઈ થિયરી કામ લાગતી નથી.
મહાપાલિકાની ફેબ્રુઆરી-૨૦૨૧માં યોજાયેલી ગત ચૂંટણીમાં આપ એ જાણે ભાજપની બી ટીમ હોય તેવી કામગીરી કરી હતી અને એટલી હદે કોંગ્રેસના મત કાપ્યા હતા કે અનેક વોર્ડમાં કોંગ્રેસના ચુનંદા ઉમેદવારોની પણ ડિપોઝિટ ડૂલ થઈ હતી. પાટીદાર અનામત આંદોલન બાદ ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને અભૂતપૂર્વ ૩૪ બેઠક મળી હતી પરંતુ ૨૦૨૧માં
આપ એ એટલી હદે મત કાપ્યા કે ભાજપને ૬૮ અને કોંગ્રેસને ફક્ત ચાર બેઠકો મળી હતી. આપએ એક પણ બેઠક જીતી નહીં પરંતુ કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો.
જ્યારે હાલ ૨૦૨૬માં પાટીદાર પ્રભુત્વ ધરાવતા અમુક વોર્ડમાં આપે સબળ ઉમેદવાર મુકતા જો પાટીદાર મતદારો ક્રોસ વોટિંગ કરે તો ભાજપની પેનલ તૂટે તેવી શક્યતા સર્જાઈ છે. પરંપરાગત વિપક્ષ કોંગ્રેસ જીતે તો પણ ચોક્કસ અનુમાનિત વિસ્તારોમાંથી જીતે તેમજ ધીમા અને ઠંડા વિરોધ સાથે પાંચ વર્ષ પૂર્ણ કરે. પરંતુ જો આપ એક બેઠક પણ જીતે તો વિસાવદરવાળી કરે તેવી
ભીતિ રહે. મહાપાલિકાની ગત ચૂંટણીમાં સબળ વિરોધપક્ષ તરીકે ફરજ બજાવવાની ખાતરી આપ્યા બાદ પાંચ વર્ષ ગાયબ થઈ ગયેલો આપ હવે ફરી મત માંગવા નિકળ્યો છે ત્યારે જનતા ઓળખી ગઈ છે કે આપ ફક્ત ચૂંટણી ટાણે જ પ્રગટ થાય છે પછી ગુમ થઇ જાય છે ! આથી ગત ચૂંટણી જેવો આપનો ચાર્મ રહ્યો નથી. આમ છતાં પાટીદારો ક્રોસ વોટિંગ કરે અને એકાદ બેઠક પણ જીતી જાય તો પાંચ વર્ષ નડે તેવું જોખમ હોય ભાજપ આપને પૂરી ટક્કર આપી પરાજિત કરશે.
અલબત્ત આશ્ચર્યજનક વાત એ છે કે ગત વખતે આપની ચિંતા કર્યા વિના નિશ્ચિતપણે ચૂંટણી લડતા ભાજપ માટે
આગામી ચૂંટણીને લઇ હવે આપ એક ચિંતાજનક ફેક્ટર છે. ગત વખતે કોંગ્રેસનો સફાયો કરનાર આપ હવે ભાજપને નડવા જેવડું થઈ ગયું છે. જો આપ એક બેઠક ઉપર પણ જીતે તો મહાપાલિકામાં પાંચ વર્ષ સુધી વિસાવદરવાળી કર્યા કરશે તેવી ભીતિ છે.
રાજકોટના મતદારો હાલ સુધી મુખ્ય પ્રવાહના રાષ્ટ્રીય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસને જ મત આપતા આવ્યા છે, રાજકોટમાં ક્યારેય અપક્ષ ઉમેદવારો વિજેતા થતા નથી, પરંતુ ગત ચૂંટણીથી મતદારો આપને મત આપવા તરફ વળતા હવે આ આદત બદલવા ભાજપ અને કોંગ્રેસ બંનેએ મહેનત કરવી પડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News