BREAKING NEWS

દીકરીઓને કોઈ હેરાન કરે તો ફેરવીને બે મારી લેવાની, બાકીની જવાબદારી મારીઃ જુનાગઢના ભાજપના MLA

  • June 26, 2026 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાના મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ એક જાહેર કાર્યક્રમમાં અત્યંત આક્રમક અને ધારદાર નિવેદન આપીને નવો ગરમાવો લાવી દીધો છે. ધારાસભ્યએ સ્ટેજ પરથી દીકરીઓને આત્મરક્ષા માટે સક્ષમ બનવા અને પોતાની છેડતી કરનારા તત્વો સામે તાત્કાલિક પ્રહાર કરવાની ખુલ્લી અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક રાજકારણ અને પ્રજામાં તેમની આ નીડર શૈલીની વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ છે.


5 ફૂટની અંદર કોઈ આવે તો તમાચો લાગવી દેવાનો

વીડિયોમાં ધારાસભ્ય સંજય કોરડીયા દીકરીઓમાં હિંમત જગાડવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. તેમણે જાહેરમાં દીકરીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપણે ઊભા હોઈએ અને 5 ફૂટની અંદર કોઈ (અસામાજિક તત્વ) આવે, તો એને શોર્ટ લાગે એવો તમાચો મારી દેવાનો. એવી તાકાત આપણી દીકરીઓની હોવી જોઈએ. તેમણે દીકરીઓને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, સમાજમાં દીકરીઓએ એટલી સક્ષમ અને નીડર બનવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ તેમની ઈચ્છા વગર તેમની નજીક આવવાની કે નજર બગાડવાની હિંમત પણ ન કરી શકે.


ચોક વચ્ચે પાઠ ભણાવવાની આપી સલાહ

ધારાસભ્યએ દીકરીઓને કાયદો કે પોલીસની ચિંતા કર્યા વગર ત્વરિત પ્રતિકાર કરવા માટે કડક શબ્દોમાં પીઠબળ પૂરું પાડ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે તમને ન ગમતી વસ્તુ કે વ્યક્તિ તમારી ટેરિટરીમાં આવે, એટલે ફેરવીને બે મારી જ લેવાની, કોઈના બાપની ચિંતા નહીં કરવાની. વધુમાં તેમણે આત્મવિશ્વાસ આપતા જાહેરમાં ખાતરી આપી કે, જો કોઈ હેરાન કરતું હોય તો કોઈને ફરિયાદ કરવા રોકાવાની જરૂર નથી, ગમે તે ચોક હોય ત્યાં જ ઊભા રહીને તેને પાઠ ભણાવી દેવાનો, બાકીની તમામ કાયદાકીય કે વહીવટી જવાબદારી પોતે સંભાળી લેશે.


સોશિયલ મીડિયા પર નિવેદનની ભારે ચર્ચા

આ કાર્યક્રમ બાદ ધારાસભ્યના આ નિવેદનના મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. એક તરફ સોશિયલ મીડિયા પર લોકો દીકરીઓની સુરક્ષા માટે આ પ્રકારના બેધડક અને મજબૂત વલણને આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક વખત હિંમત બતાવશો તો બીજી વાર કોઈ ખોટી નજર નાખતા સો વાર વિચારશે. જ્યારે બીજી તરફ, રાજકીય વર્તુળોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે લોકપ્રતિનિધિ દ્વારા આપવામાં આવેલા આવા ખુલ્લા નિવેદનને લઈને અલગ-અલગ તર્કો લગાવવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application