જમીનના શેઢા બાબતના દાયકા જૂના મનદુઃખના સમાધાન કરવા જતા પરિવારજનો પર હુમલો

  • October 03, 2023 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગડુ ગામના મહિલાઓ સહિત 10 સામે ગુનો


ભાણવડ તાલુકાના ગડુ ગામે બે દિવસ પૂર્વે જમીનના શેઢા બાબતે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ આ પ્રકરણમાં સામા પક્ષે જમીનના શેઢાના જૂના મનદુઃખનું સમાધાન કરવા ગયેલા મેર યુવાન તથા તેમના પરિવારનો પર હથિયાર વડે હુમલો કરી, મારી નાખવાની ધમકી આપવા અંગે ત્રણ મહિલાઓ સહિત 10 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


આ સમગ્ર પ્રકરણ અંગે જામનગરના જામજોધપુર તાબેના ઉમાનગર ખાતે હાલ રહેતા અને મૂળ ભાણવડ તાલુકાના ગડુ ગામના વાડી વિસ્તારના રહીશ એવા મારખીભાઈ ઉર્ફે હેમતભાઈ સામતભાઈ ભેટારીયા નામના 40 વર્ષના આહિર યુવાને ગડુ ગામે રહેતા પુંજાભાઈ રાણાભાઈ ઓડેદરા, રામભાઈ રાણાભાઈ ઓડેદરા, ભુરાભાઈ નગાભાઈ ઓડેદરા, લખમણભાઈ નગાભાઈ, નગાભાઈ દેવાભાઈ, મેરામણભાઈ રામભાઈ, અરજણભાઈ પુંજાભાઈ, પુરીબેન પુંજાભાઈ, વેજીબેન પુંજાભાઈ અને જાયણીબેન પુંજાભાઈ નામના કુલ દસ વ્યક્તિઓ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી મારખીભાઈ તથા આરોપી પરિવારજનોની જમીન બાજુ-બાજુમાં એક જ શેઢે આવેલી હોય, આ શેઢા બાબતે બંને પરિવારજનો વચ્ચે છેલ્લા આશરે દસેક વર્ષથી મનદુઃખ ચાલ્યું આવતું હતું.


આ બાબતે અગાઉ બોલા ચાલી પણ થઈ હતી. આમ આ બોલાચાલી તથા શેઢા બાબતે ચાલ્યા આવતા મનદુઃખનું સમાધાન કરવા માટે ફરિયાદી મારખીભાઈ તેમજ તેમના પરિવારજનો આરોપીઓના ઘરે ગયા હતા. ત્યાં મહિલાઓ સહિતના આરોપીઓએ એક સંપ કરી, ગેરકાયદેસર મંડળી રચી અને ફરિયાદી તેમજ તેમની સાથે આવેલા અન્ય વ્યક્તિઓ ઉપર લોખંડના પાઇપ, ધારીયા, કુહાડી તેમજ લાકડીઓ વડે તૂટી પડ્યા હતા.


આમ, આરોપીઓ દ્વારા હુમલો કરી, ગંભીર ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 325, 326, 504, 506 (2), 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application