રાજકોટના નહેરૂનગરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતાં સ્થિતિ તંગ બની હતી. જેમાં યુવાનને ઇજા પહોંચી હતી. સૂરજ ડેરની ઓફિસ નજીક થયેલ બબાલમાં માલવીયાનગર પોલીસે બંને પક્ષે છ શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે નાનામવા મેઈન રોડ પર માલધારી ચોક પાસે નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં.૪ માં રહેતાં કરણભાઇ જીલુભાઈ કુંભારવાડીયા (ઉ.વ.૨૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રતાપસિંહ ઉર્ફે પત્યો સુખદેવસિંહ જાડેજા, હેમાંગ ઉર્ફે હેમભા સુખદેવસિંહ જાડેજા અને ભાવિન દેવડાનું નામ આપી જણાવ્યું હતું કે, તે મજુરી કામ કરે છે. ગઈ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યે તે માલધારી ચોકમા આવેલ સુરજભાઈ ડેરની ઓફિસમાં બેઠો હતો. તેના કાકાના દિકરા ભાઇ અર્જુન કુંભારવાડીયા તથા યુવરાજ કુંભારવાડીયા અને તેના મિત્રો બધા ઓફિસની બહાર રોડ પર બેઠેલા હતા. આ દરમિયાન પ્રતાપસિંહ ઉર્ફ પતીયો સુખદેવસિંહ જાડેજા ત્યાં રોડ ઉપર આવેલ અને કોઇ કારણ વગર બહાર જે બધા બેઠેલ તેને ગાળો દેવા લાગેલ જેથી અવાજ આવતા યુવક પણ બહાર નિકળેલ અને જોયેલ તો આ પ્રતાસિંહ યુવાનના કાકાના દિકરા યુવરાજને બેફામ ગાળો દેવા લાગેલ અને આ પતીયાએ કારણ વગર યુવરાજને બે ત્રણ ફડાકા મારી ઉચા અવાજે ઝગડો કરવા લાગેલ હતો.
યુવકે તેને ગાળો બોલવાની તથા ઝઘડો કરવાની ના કહેતા આ પતીયો કહેવા લાગેલ કે, તમે બધા અહીંથી ભાગો નહી તમને બધાને જાનથી મારી નાખીસ અને આ દરમ્યાન થોડી વારમા આ પતીયાનો ભાઈ હેમાંગ ઉર્ફે હેમભા સુખદેવસિંહ જાડેજા તથા તેનો મિત્ર ભાવિન દેવડા આવેલ અને આવીને આ બંન્ને જણા યુવક સાથે પણ ઝઘડો કરી ગાળા ગાળી કરવા લાગ્યા હતાં. હેમભા બોલવા લાગેલ કે, તું કેમ મારા ભાઇ સાથે ઝઘડો કરે છે તેમ કહી આ હેમભાએ છરી ઉગામેલ અને વાળ પકડી બે ત્રણ ફાડકા મારી દિધેલા હતાં. ગાળો બોલી કહેવા લાગેલ કે, તને આજે જાનથી મારી નાખવો છે અને છરીનો એક ઘા હાથે મારી દીધો હતો.
જ્યારે સામાપક્ષે નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. ૫ માં રહેતાં હિમાનસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કરણ જીલુ કુંભારવાડીયા, અર્જુન નરેશ કુંભારવાડીયા અને યુવરાજ નરેશ કુંભારવાડીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તે ટિફીન સર્વીસનુ કામ કરે છે.
ગઇ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યે તેમના મિત્ર ભુપતનો ફોન આવેલ કે, તારા ભાઈ સાથે માલધારી ચોકમા કોઈ ઝઘડો કરે છે. જેથી માલધારી ચોકમા સુરજભાઈ ડેરની ઓફિસ્ પાસે જઇ જોતા ત્યા કરણ કુંભારવાડીયા, અર્જુન કુંભારવાડીયા તથા યુવરાજ કુંભારવાડીયા આ ત્રણેય જણા ભાઈ પ્રતાપ જાડેજાને આડેધડ ઢીકાપાટુનો માર મારતા હતાં. યુવક વચ્ચે છોડાવવા જતા આ ત્રણેય શખસો તેમને પણ ગાળો આપી કહેવા લાગેલ કે, આજ તો તારા ભાઈને જાનથી મારી નાખવો છે તેમ કહી કરણ કુંભારવાડીયાએ નેફામાથી છરી કાઢેલ અને છરીનો એક ધા હાથના ભાગે મારી દીધો હતો. બનાવ અંગેની સામસામે ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે બંને પક્ષે છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.