રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ આવતા વિસ્તારોમાં આયોજનબદ્ધ વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા વેજા ગામ અને વાજડીગઢ વિસ્તારની ત્રણ મહત્વકાંક્ષી નગર રચના યોજનાઓ (ટી.પી) ને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
સરકારના તાજેતરના નોટિફિકેશન મુજબ, ટીપી સ્કીમ નંબર 80, 81 અને 82ને બહાલી આપવામાં આવી છે. આ નિર્ણયથી લાંબા સમયથી પેન્ડિંગ રહેલી આ યોજનાઓનો અમલ હવે ઝડપથી શરૂ થઈ શકશે. આયોજનની વિગતો મુજબ ટીપી સ્કીમ નં. 81 (વેજા ગામ) આ યોજનાને આખરી ઓપ આપવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ 50(1) હેઠળ રાજકોટના પ્રવર નગર નિયોજકને ‘નગર રચના અધિકારી’ (ટીપીઓ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ટીપી સ્કીમ નં. 82 (વેજા ગામ) આ યોજનાને પણ સરકાર દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે અને તેના સંચાલન માટે પણ રાજકોટના નગર રચના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
ટીપી સ્કીમ નં. 80 (વાજડીગઢ-વેજા ગામ) આ મુસદ્દારૂપ (ડ્રાફ્ટ) યોજનાને મંજૂરી મળતા આ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસનો માર્ગ મોકળો થયો છે.આ ત્રણેય યોજનાઓના અમલીકરણ માટે રાજકોટના પ્રવર નગર નિયોજકને નગર રચના અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક સ્તરે આયોજનબદ્ધ રોડ-રસ્તા, જાહેર સુવિધાઓ અને જમીન સંપાદનની કામગીરી પારદર્શક રીતે પૂર્ણ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ ઉપરાંત રાજ્ય સરકારે સુરતની વેડછા-નિયોલ વિસ્તારની ટીપી સ્કીમને પણ મંજૂરી આપી છે. સરકારના આ પગલાથી શહેરી વિસ્તારોમાં રહેણાંક અને વ્યાવસાયિક એકમોના સુવ્યવસ્થિત વિકાસને નવી દિશા મળશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણ સાથે જ સંબંધિત વિસ્તારોમાં જમીનના ભાવ અને વિકાસની ગતિમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.