ભાવનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલી આતુરતાનો આખરે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ તરફથી મોકલવામાં આવેલા સત્તાવાર મેન્ડેડ બાદ ભાવનગર મનપાના મોખરાના હોદ્દાઓ માટેના નામોની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. આ નવી નિમણૂક હેઠળ ભાવનગરના નવા મેયર તરીકે ઉષાબેન તલરેજાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા અને કોર્પોરેશનની સૌથી મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાના નામ પર મહોર મારવામાં આવી છે.
આ ઉપરાંત મહાનગરપાલિકાના શાસન વ્યવસ્થાને સુચારુ રૂપે ચલાવવા માટે અન્ય મહત્વના હોદ્દાઓની પણ જાહેરાત કરાઈ છે, જેમાં શાસક પક્ષના નેતા તરીકે લાલભા મનુભા વાળા અને શાસક પક્ષના દંડક (વ્હીપ) તરીકે દીપા માંગુકિયાની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ પદાધિકારીઓની વરણી આગામી અઢી વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે. પક્ષ દ્વારા આ નવી ટીમમાં અનુભવી અને સક્ષમ ચહેરાઓ સાથે મહિલા નેતૃત્વને પણ પૂરતું પ્રતિનિધિત્વ આપીને તમામ રાજકીય અને સામાજિક સમીકરણોનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નવા પદાધિકારીઓના નામો જાહેર થતાં જ મહાનગરપાલિકા કચેરી ખાતે સમર્થકો અને ભાજપના સ્થાનિક કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. ઉપસ્થિત અગ્રણીઓ અને કાઉન્સિલરોએ નવા મેયર ઉષાબેન તલરેજા અને તેમની સમગ્ર ટીમને પુષ્પગુચ્છ અર્પણ કરી, મોં મીઠું કરાવીને આ ગૌરવપૂર્ણ પદ સંભાળવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
નવનિયુક્ત પદાધિકારીઓએ પક્ષના શિર્ષસ્થ નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ આગામી અઢી વર્ષ દરમિયાન ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ માટે પરસ્પર સંકલન સાથે ખંતપૂર્વક કામ કરશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સને ગતિ આપવી, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા સુદ્રઢ કરવી, રસ્તા-લાઈટ-ડ્રેનેજની સુવિધાઓ બહેતર બનાવવી તેમજ પ્રજાલક્ષી પ્રશ્નોનો વહેલી તકે સકારાત્મક ઉકેલ લાવવો એ આ નવી ટીમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.