BREAKING NEWS

અમરેલી: વંડા પોલીસ સ્ટેશનના 2 હેડ કોન્સ્ટેબલ સહિત 4 શખ્સો ₹51000ની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ ગોઠવ્યું સફળ છટકું

  • May 11, 2026 10:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી (ACB) એ લાલ આંખ કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હેડ કોન્સ્ટેબલ અને તેમને મદદગારી કરનારા બે વચેટિયાઓ ₹૫૧,૦૦૦ની લાંચ લેતા એસીબીના હાથે પકડાઈ ગયા છે. આરોપીઓએ ફરિયાદીના મિત્ર વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં પતાવટ કરવા અને હેરાન ન કરવા માટે લાંચની માંગણી કરી હતી.


કોણ છે ઝડપાયેલા આરોપીઓ?
1.વિજયભાઇ મનસુખભાઇ મેર: પોલીસ હેડ કોન્સ્ટેબલ, વંડા પોલીસ સ્ટેશન.
2.છગનભાઇ માવજીભાઇ ડાભી: પોલીસ હેડ કોન્સ્ટેબલ, વંડા પોલીસ સ્ટેશન.
3.મયુરભાઇ બાબુભાઇ ખુમાણ: ખાનગી વ્યક્તિ (રહે. વંડા).
4.અતુલભાઇ ચૌહાણ: ખાનગી વ્યક્તિ (રહે. ગારીયાધાર).


ગુનાની વિગત અને ટ્રેપની વિગત

આ કેસની વિગત મુજબ ફરિયાદીના મિત્ર વિરુદ્ધ વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ મેર પાસે હતી. ફરિયાદીના મિત્રની ગાડી અને મોબાઈલ ફોન કબ્જે ન કરવા, તેમને માર ન મારવા અને ધંધો શાંતિથી ચલાવવા દેવાના અવેજમાં અતુલ ચૌહાણ મારફતે ₹૧,૨૫,૦૦૦ની લાંચ મંગાઈ હતી.


રકઝક બાદ સોદો
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. ૧૧ મે ૨૦૨૬ના રોજ વંડા ગામમાં ગોપીનાથ ઓઈલ મિલ પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

એસીબીની કાર્યવાહી
ટ્રેપ દરમિયાન મયુર ખુમાણે હેડ કોન્સ્ટેબલ વતી ફરિયાદી પાસેથી ₹૫૧,૦૦૦ સ્વીકાર્યા હતા. આ નાણાંની જાણ હેડ કોન્સ્ટેબલ વિજય મેરને કરાતા, તે નાણાં લેવા માટે હેડ કોન્સ્ટેબલ છગનભાઇ ડાભીને મોકલ્યા હતા. છગનભાઇ જેવા નાણાં લેવા આવ્યા કે તરત જ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. બાદમાં મુખ્ય આરોપી વિજય મેરને પોલીસ સ્ટેશન ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application