સોમનાથમાં મહાદેવની પૂજા બાદ મંદિર પરિસરમાં મોદીએ ઢોલ વગાડ્યો, દાદાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો, તમે પણ ઘરે બેઠા કરો દર્શન
સોમનાથમાં મહાદેવની પૂજા બાદ મંદિર પરિસરમાં મોદીએ ઢોલ વગાડ્યો, દાદાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો, તમે પણ ઘરે બેઠા કરો દર્શન
January 11, 2026 11:46 AM
સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથના પ્રવાસે છે. તેઓએ સૌપ્રથમ શૌર્ય યાત્રા યોજી હતી. બાદમાં તેઓએ સોમનાથ મહાદેવની પૂજા કરી હતી. મોદીએ ભોળાનાથને પુષ્પો અર્પણ કરી જલાભિષેક કર્યો હતો. તેમજ ભોળાનાથની પૂજા દરમિયાન મંત્રોજાપ કર્યા હતા. બાદમાં મંદિર પરિસરમાં મોદીએ ઢોલ વગાડ્યો હતો. આજે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.
દેશભક્તિનું વાતાવરણ સર્જાયું
સોમનાથ ખાતે આપણી આસ્થા, સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતો સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે. આ પર્વની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા છે. ત્યારે મુખ્ય કાર્યક્રમ સ્થળે તેમના આગમના પૂર્વે શિવભક્તિ સાથે દેશ ભક્તિનો માહોલ સર્જાયો હતો. વેરાવળ ખાતે ધોરણ ૪માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની નાની એવી બાળા જીનલ દેવેન્દ્રભાઈ જેઠવાએ ભારત માતા બની તિરંગો લહેરાવ્યો હતો. તેમની દેશભક્તિ જોઈ આસપાસના લોકોએ પણ હર હર મહાદેવની સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. આ વેળાએ સ્ટેજ પરથી કલાકારો એ પણ 'દિલ દિયા હૈ જાન ભી દેંગે' અને 'યે દેશ હૈ વીર જવાનો કા' જેવા ગીતોથી દેશ ભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું.