BREAKING NEWS

વરસાદ ખેંચાતા આજી બાદ હવે ન્યારીમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું શરૂ

  • June 30, 2026 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વરસાદ ખેંચાતા હાલ મોટા ભાગના બોરમાં પાણી ડુકી ગયા છે અને ટેન્કરોની હડિયાપટી શરૂ થઇ ગઇ છે. દરમિયાન રાજકોટ મનપાએ રાજ્ય સરકાર પાસે આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં ૪૦૦ એમસીએફટી નર્મદાનીર મળી કુલ ૮૦૦ એમસીએફટી પાણી ઠાલવવા માંગણી કરી હતી, જે મુજબ સૌપ્રથમ આજી-૧માં અને અને ત્યારબાદ હવે ન્યારી-૧ ડેમમાં નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરાયું છે. જો કે આ ૮૦૦ એમસીએફટી જળ જથ્થો ઠાલવ્યા બાદ પણ દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ તા.૧૫ ઓગસ્ટ સુધીનો જ જળ જથ્થો ઉપલબ્ધ થશે. જો જુલાઈમાં પર્યાપ્ત વરસાદ ન વરસે તો રાજકોટની હાલત માઠી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

રાજકોટ શહેરના મુખ્ય જળ સ્ત્રોત આજી-૧ ડેમની વાસ્તવિક કુલ ઉંડાઇ ૩૬.૫૨ ફૂટ છે અને તેમાં ૭.૫૨ ફૂટ સુધી કાંપ ભરેલો છે ! જેથી હાલ તેની કુલ ઉંડાઇ ૨૯ ફૂટ થઇ છે. તે મુજબની ગણતરીએ કુલ ૨૯ ફૂટની કુલ ઉંડાઇના આજી-૧ ડેમની આજની સપાટી ૧૯.૪૦ ફૂટ છે. હાલ તેમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યું છે તેમ છતાં દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ તેમાં તા.૩૦ જુલાઈ સુધી ચાલે તેટલો મતલબ કે એક મહિનાનો જથ્થો જ ઉપલબ્ધ છે. આજી ૧ ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા ૯૩૩ મિલિયન ક્યુબિક ફૂટ (એમસીએફટી) છે જેમાંથી હાલ ગ્રોસ ૩૯૮ અને લાઇવ ૩૮૩ એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે. ટકાવારીની દ્રષ્ટિએ હાલ ડેમમાં ૪૨.૬૩ ટકા જથ્થો સંગ્રહિત છે. હાલ સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવી ડેમ ભરવામાં આવી રહ્યો છે, મહાપાલિકા દ્વારા કુલ ૪૦૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવવા માંગણી કરાઇ છે.

જ્યારે રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા પશ્ચિમ રાજકોટના મુખ્ય જળ સ્ત્રોત ન્યારી-૧ ડેમની વાસ્તવિક કુલ ઉંડાઇ ૪૭.૫૭ ફૂટ છે અને તેમાં ૨૨.૪૭ ફૂટ જેટલો કાંપ ભરેલો છે ! જેથી હાલ તેની કુલ ઉંડાઇ ૨૫.૧૦ ફૂટ છે. તે મુજબની ગણતરીએ કુલ ૨૫.૧૦ ફૂટની કુલ ઉંડાઇના ન્યારી-૧ ડેમની આજની સપાટી ૧૨.૩૦ ફૂટ છે. ન્યારી-૧ ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા ૧૨૪૮ મિલિયન ક્યુબિક ફૂટ (એમસીએફટી) છે જેમાંથી હાલ ગ્રોસ ૩૪૦ અને લાઇવ ૨૭૯ એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે. ટકાવારીની દ્રષ્ટિએ હાલ ડેમમાં ફ્ક્ત ૨૭.૨૫ ટકા જથ્થો સંગ્રહિત છે. હવે આજી ડેમની સાથે જ ન્યારી ડેમમાં પણ નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરાયું છે, ન્યારીમાં પણ ૪૦૦ એમસીએફટી પાણી ઠાલવવામાં મહાપાલિકાએ સરકારમાં માંગણી રજૂ કરી છે.

રાજકોટ શહેરથી ૬૦ કિલોમીટર દૂર આવેલા ગોમટા નજીક આવેલા ભાદર-૧ ડેમમાંથી રાજકોટ શહેરને દરરોજ ૪૫ એમએલડી પાણી મળે છે જેનું સેન્ટ્રલ રાજકોટમાં વિતરણ કરાય છે. વાસ્તવિક રીતે કુલ ૩૫.૪૩ ફૂટની ઊંડાઇના ભાદર ડેમમાં પણ દોઢ ફુટ સુધી કાંપ ભરેલો છે જેથી હાલ તેની કુલ ઉંડાઇ ૩૪ ફૂટ થઇ ગઇ છે. કુલ ૩૪ ફૂટની ઉંડાઇના ભાદર-૧ ડેમની સપાટી હાલ ૧૪.૬૦ ફૂટ છે. ભાદર ૧ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૬૬૪૪ મિલિયન ક્યુબિક ફૂટ છે જેમાંથી હાલ ગ્રોસ ૯૮૭ અને લાઇવ ૯૭૯ એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે. ટકાવારીની દ્રષ્ટિએ ડેમમાં ૧૪.૮૬ ટકા જથ્થો સંગ્રહિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application