ખંભાળિયાની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સજા

  • September 01, 2023 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૩ હજારનો દંડ તથા બે લાખનું વળતર ચુકવવા અદાલતનો આદેશ

ખંભાળીયા પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેશમાં સ્પે. પોકસો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા તથા દંડ તેમજ બે લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
ખંભાળિયા તાલુકાના માંઢા ગામે રહેતા એક શ્રમિક પરિવારના લોકો ગત તારીખ ૨૨-૨-૨૦૧૯ ના રોજ રાત્રે જમીને સુઈ ગયા હતા. ત્યાર બાદ આ પરિવારની આશરે ૧૭ વર્ષની સગીર પુત્રી લાપતા બનતા તેણીની શોધખોળ કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં ફરિયાદી પરિવારના દૂરના સંબંધી એવા આરોપી પ્રકાશ ઉર્ફે પકો કેશુભાઈ લાલવાણી (ઉ.વ. ૨૩, રહે. મોટી ખાવડી) નામનો શખ્સ આ સગીરાને લલચાવી, ફોસલાવીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું હતું. આ અંગેની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણમાં ઇન્ચાર્જ પી.આઈ. એ.બી. જાડેજા દ્વારા કરવામાં આવેલી તપાસમાં આરોપીને ઝડપી લીધા બાદ ભોગ બનનારનું નિવેદન, મેડિકલ તપાસણી તેમજ જરૂરી સેમ્પલ લીધા બાદ તે એફ.એસ.એલ.માં મોકલી આપી, આ અંગેની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ સમગ્ર કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા આ અંગે ફરિયાદી તેમજ ભોગ બનનારની જુબાની, ડોક્ટરનો પુરાવો તેમજ પૃથક્કરણનો અહેવાલ વિગેરે અહીંની અદાલતમાં રજૂ કરી, જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપી પ્રકાશ કેશુભાઈ લાલવાણીને તકસીરવાન ઠેરવી, જુદી જુદી કલમ હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૨૩ હજારનો દંડ ઉપરાંત ગુજરાત વિક્ટિમ કમ્પેનશેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને રૂપિયા બે લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application