રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે મેટોડા જીઆઇડીસીમાં મૂળ વિસાવદરના પંથકના વતની અને હાલ મેટોડામાં રહેતા શખસને 861 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો.આ શખસ સુરતથી ગાંજો લાવી અહીં શ્રમિકોને વેચતો હતો. આ પહેલા પણ તે આ પ્રકારે એક ખેપ મારી આવ્યો હોવાની કબુલાત આપી હતી.
રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થનું વેચાણ કરતા શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાને રાજકોટ એસઓજી પી.આઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. મિશ્રાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પીએસઆઇ મિશ્રા અને હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ વિરડાને એવી બાતમી મળી હતી કે, મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં એક ગાંજાની હેરફેર કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમને વોચ ગોઠવી કાલાવડથી મેટોડા જીઆઇડીસી તરફ જતા રોડ પર એક શંકાસ્પદ રીક્ષા પસાર થતાં પોલીસે આ રીક્ષાને અટકાવી હતી.
પોલીસે રિક્ષાચાલકની પુછતાછ કરતા તેણે પોતાનું નામ હાબીલ હનીફભાઈ બ્લોચ(ઉ.વ. 24 રહે. મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 2, પાછળ ઓમ હોસ્પિટલની પાછળ, મૂળ ખંભાગીર તા. વિસાવદર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસની અંગ જડતી લેતા તેની પાસેથી રૂપિયા ૪૩ હજારની કિંમતનો 861 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો આ જથ્થો મોબાઇલ ફોન અને રીક્ષા સહિત કુલ રૂપિયા 2,63,050 નો મુદ્દામાલ કબજે કરી આ શખસ વિરુદ્ધ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ગાંજા સાથે ઝડપાયેલો શખસ રીક્ષાચાલક હોય તે સુરતથી ગાંજો લાવ્યો હતો અને અહીં બંધાણીને છુટકમાં વેચતો હતો. આ પહેલા પણ તે પ્રકારે એક વખત ખેપ મારી આવ્યો હોવાની કબુલાત આપી હતી. આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં એસઓજી પીઆઇ એફ.એ. પારગી, પીએસઆઇ પી.બી. મિશ્રા, રૂપકબહાદુર, હેડ કોસ્ટેબલ મયુરભાઈ વિરડા, ક્રિપાલસિંહ જાડેજા, નૈમિષભાઇ મહેતા, કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિપુલભાઈ ગોહેલ, નરસિંહભાઈ બાવળીયા સાથે રહ્યા હતા.
નશાના સોદાગરો સામે ઝીરો ટોલરન્સ નીતિથી કામ કરવા આઇજી નિર્લિપ્ત રાયની સ્પષ્ટ સૂચના
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, રાજકોટ રેન્જના નવનિયુકત આઇજી નિર્લિપ્ત રાય દ્વારા પોલીસને સ્પષ્ટપણે સૂચના આપી દેવામાં આવી છે કે, માદક પદાર્થના સેવન અને હેરફેરની પ્રવૃત્તિ કોઇપણ ભોગે ચલાવી લેવાશે નહીં. ખાસ કરીને એસઓજીને માદક પદાર્થની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવા અને નશાના સોદાગરો સામે ઝીરો ટોલરન્સ નીતિથી કામ કરવા સૂચના આપવામાં આવી છે.