BREAKING NEWS

મોરબી રોડ પર સોહમનગરમાં યુવાનને છરીનો ઘા ઝીંકી ઢીકાપાટુનો માર માર્યો

  • January 30, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા યુવાનની સોહમનગર મેઇન રોડ પર રહેતા પિતા-પુત્ર સહિત ત્રણ શખસોએ મારમારી હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવાનના કાકાના પુત્રના લગ્ન હોય જેમાં આરોપીએ યુવાનના ભાઈની મજાક ઉડાવતા આ બાબતે ઠપકો આપતા હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટ શેરી નંબર છ માં રહેતા જયસુખ હરિભાઈ કટારીયા (ઉ.વ. 32) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભૂરો મુછડીયા, શામજી મુછડીયા અને સામજીના પુત્ર આકુલ (રહે. ત્રણેય સોહમનગર શેરી નંબર-૧ જુનો મોરબી રોડ) ના નામ આપ્યા છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે તે, કુવાડવા રોડ પર હોન્ડાના શોરૂમમાં સર્વિસ એડવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઈકાલે તેના સગા કાકા નારણભાઈ કટારીયાના પુત્ર વિપુલના લગ્ન હોય જેથી તેઓ સવારે નવ વાગ્યે માલિયાસણ જાનમાં ગયા હતા. સાંજે જાન પરત આવી હતી જેથી તે અહીં સોહમનગર શેરી નંબર-૩ માં કાકાના ઘરે આવ્યો હતો. બાદમાં રાત્રિના 12:30 વાગ્યા આસપાસ બજારમાં મિત્ર રાહુલ પરમાર (ઉ.વ. 33) સાથે આંટો મારવા નીકળ્યા હતા. બંને સોહમનગર મેઇન રોડ શેરી નંબર-૧ ના ખૂણે પહોંચતા ત્યાં ભૂરો મૂછડીયા ઉભો હોય તેણે લગ્ન પ્રસંગ દરમિયાન યુવાનના નાનાભાઈ શૈલેન્દ્રની કોઈ કારણથી મજાક મસ્તી કરી હોય જેથી યુવાને તેને સમજાવી ઠપકો આપતા તેને ગમ્યું ન હતું. જેથી તેણે તેના સગાભાઈ શામજી મુછડીયા અને શામજીના પુત્ર આ કુલ બંનેને અહીં બોલાવી લીધા હતા.


બાદમાં ભુરાએ યુવાને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ગાળો બોલવાની ના કહેતા તે બાજુમાં તેનું ઘર હોય ત્યાંથી છરી લઈને આવ્યો હતો. બાદમાં યુવાનને સાંજે પકડી રાખી ભુરાએ છરી વડે હુમલો કરવા જતા યુવાને હાથ આડો રાખી દેતા હાથમાં છરકો થતા લોહી નીકળવા લાગ્યું હતું. યુવાનો મિત્ર રાહુલ વચ્ચે પડતા આકુલે તેને ગાળો આપી હતી. બાદમાં ત્રણેય શખસો યુવાને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન યુવાનના મિત્ર રાહુલે તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ સમય યુવાનના અન્ય પરિવારજનો પણ અહીં આવી જતા આ ત્રણેય શખસો અહીંથી નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application