રાજકોટના બેડી - સોખડા ચોકડી નજીક પુલ ઉતરતા રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવેલા ટ્રક પાછળ રાત્રીના બાઈક ઘુસી જતા શુક્લ પીપળીયાના યુવકનું મોત નીપજ્યું હતું. યુવક રાજકોટ આટો મારીને ઘરે પરત જતો હતો ત્યારે બનાવ બન્યો હતો.
બનાવની મળતી વિગત મુજબ શુક્લ પીપળીયા ગામે રહેતો કરણ મહેશભાઈ સરવૈયા (ઉ.વ.20)નો ગત રાત્રીના બારેક વાગ્યે પોતાનું બાઈક લઈને રાજકોટથી ઘરે જતો હતો ત્યારે બેડી-સોખડા ચોકડીથી આગળ પુલ ઉતરતા રોડની સાઈડમાં ઉભેલા ટ્રક પાછળ બાઈક ધડાકાભેર અથડાતા યુવકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકને માથાના ભાગે હેમરેજ થતા સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક કરણ બે ભાઇમાં નાનો હતો અને પેડક રોડ પર આવેલા બંગડીના કારખાનામાં કામ કરતો હતો. રાત્રીના રાજકોટ આવ્યો હોય ઘરે પરત જતી વખતે અકસ્માત નડ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.