વિંછીયા પાસેના અમરાપુર ગામ નજીક સ્પીડ બ્રેકર પાસે ટ્રકચાલકે બ્રેક મારતા ટ્રક પલટી ખાઈ ઇકો પર પડ્યો હતો. જેમાં ઇકોચાલક યુવાનનું દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે, ટ્રકને મહામહેનતે ઈકો પરથી હટાવી યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવવા અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી વિંછીયા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શનિવારે બપોર બાદ વિંછીયાના અમરાપુર પાસે શૈક્ષણિક સંસ્થા નજીક સ્પીડ બ્રેકર પાસે ટ્રક નંબર જીજે 31 ટી 1787 ના ચાલકે સ્પીડ બ્રેકર પાસે બ્રેક લગાવતા સ્ટયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ખાઈ ગયો હતો. દરમિયાન અહીં બાજુમાંથી પસાર થનાર ઇકો નંબર જીજે 13 એબી 1803 પર ટ્રક પડતા ઇકોના ચાલક દેવરાજભાઈ સવજીભાઈ નાંગહ (રહે. ગુંદાળા તા. વિંછીયા) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવના પગલે વિંછીયા પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હીરાભાઈ સવજીભાઈ નાંગહ (ઉ.વ.35 રહે. ગુંદાળા તા. વિંછીયા) દ્વારા ટ્રક નંબર જીજે 31 ટી 1787 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે ભાઈ એક બહેનના પરિવારમાં દેવરાજભાઈ સૌથી મોટા હતા અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. શનિવારે રાબેતા મુજબ તેઓ ઇકો લઈ વિંછીયા ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક પલટી ખાઈ ઇકો પર પડ્યા બાદ મહામહેનતે ટ્રકને ઇકો પરથી હટાવી ઇકોમાં ફસાઈ ગયેલા દેવરાજભાઈને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ તેમનો 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના નાના ભાઈની ફરિયાદ પરથી વિંછીયા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.