રાણાવાવ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ અંગે પ્રાદેશિક કમિશ્નરની કોર્ટમાં થઇ લેખિત ફરિયાદ

  • October 17, 2024 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાણાવાવ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ અંગે પ્રાદેશિક કમિશ્નરની કોર્ટમાં  લેખિત ફરિયાદ થઇ છે અને પાલિકાના અધિકારી અને પદાધિકારી સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે.
રાણાવાવ નગરપાલિકાના કોન્ટ્રાકટ અંગે આર.ટી.આઇ. એકટીવિસ્ટ દ્વારા ગંભીર આક્ષેપ થયા છે જેમાં સંગઠનના પ્રમુખ વિનોદ હેમરાજ પરમારે રાજકોટ પ્રાદેશિક કમિશ્નરની કોર્ટ સમક્ષ નગરપાલિકાના ચીફ ઓફિસર, વહીવટદાર, પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સામે આક્ષેપ કરીને જણાવ્યુ છે કે રાણાવાવ નગર સેવા સદનના જુદા-જુદા વિભાગો માટે કોન્ટ્રાકટ બેઇઝ ધોરણે ફીકસ પગારથી વર્ગ -૩ તથા ૪ના સેવકો પુરા પાડવાના કામ અંગે નગર પાલિકા દ્વારા તા. ૧૭-૪-૨૦૧૮ના રોજ ૧૧ માસ માટે ટેન્ડર બાર પાડવામાં આવેલ. જે બાબતે તા. ૧-૭-૨૦૧૮થી તા. ૩૦-૬-૨૦૧૯ સુધીના ૧૧ માસના સમયગાળા માટે સકસેસ સર્વિસીસ પોરબંદરનો કોન્ટ્રાકટ મંજૂર થયેલ. મંજૂર થયેલ કોન્ટ્રાકટમાં જગ્યા દીઠ સેવકોના ભાવો એક દિવસના તથા તેને આનષંગિક ટેકસીઝ તથા  એજન્સીના વહીવટ ચાર્જ જણાવેલ સાથે ટેન્ડર મંજૂર કરેલ છે. ન.પા. અધિનિયમ ૧૯૬૩ મુજબ ન.પા.ના કોઇપણ કામ પાંચ લાખના હોય તેમાં ફરજીયાત ટેન્ડર પધ્ધતિ અપનાવવાની જોગવાઇ છે તેમ છતાં રાણાવાવ નગર પાલિકાની બોડીના પ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ તથા ચીફ ઓફીસર તથા વહીવટદાર  દ્વારા ઠરાવો ક રી અને વર્ગ ૩ અને ૪ના સેવકો પૂરા પાડવા માટે આપવામાં આવેલા સકસેસ સર્વિસીસનો ૧૧ માસનો કોન્ટ્રાકટ એક કરોડ અને એસી લાખનો હોવા છતાં ટેન્ડર પધ્ધતિ અપનાવ્યા વગર વખતોવખત ઠરાવો કરી અને રીન્યુ કરી આપેલ છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. 
જેમકે રીન્યુ અંગેના થયેલ તમામ ઠરાવો ઉપલી કચેરીએ  મંજૂર કરાવેલ છે કે કેમ તે શંકા છે. પહેલો કોન્ટ્રાક્ટ સકસેસ સર્વિસીસને ૧૧ માસ માટે આપેલ ત્યારબાદ તા. ૨૬-૬-૨૦૧૯ના ઠરાવ નં. ૩થી તા. ૨૪-૬-૨૦૨૦ના ઠરાવ નં-૫થી તા. ૧-૭-૨૦૨૧ના ઠરાવ નં. ૨૬ થી રીન્યુ મુદત વધારો કરી આપેલ છે. એટલુ જ નહી તા. ૨૧-૨-૨૦૨૨ના સર્ક્યુલર ઠરાવથી મે.ગ્રીનવ્યુ મલ્ટી સર્વિસીસને તા. ૧૫-૩-૨૦૨૨થી તા. ૧૪-૩-૨૦૨૪ સુધી બે વર્ષનો કોન્ટ્રાકટ એકી સાથે આપેલ છે. આ કોન્ટ્રાકટ સકર્યુલર ઠરાવથી આપવામાં આવેલ છે. જેમકે ન.પા. એકટ મુજબ સર્ક્યુલર ઠરાવથી પાંચ ‚પિયાની ખીલી પણ ખરીદવાની કોઇ જોગવાઇ નથી. તેમ છતાં સક્યુલ્ર ઠરાવથી  આવડો મોટો કોન્ટ્રાકટ  આપેલ છે. તેમજ કાયદામાં ૧૧ માસ માટે જ કોન્ટ્રાકટની ટેન્ડર પધ્ધતિ કરવાની જોગવાઇ છે. તેમ છતાં બે વર્ષનો કોન્ટ્રાકટ એકી સાથે મંજૂર કરી કાયદો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
આટલુ જ નહી  આ મે. ગ્રીનવ્યુ મલ્ટી સર્વિસીસ કોન્ટ્રાકટ તા. ૧૪-૩-૨૦૨૪ના રોજ પૂરો કરેલ છે. જેને વહીવટદાર દ્વારા રાણાવાવ ન.પા. તા. ૧૫-૩-૨૦૨૪ના ઠરાવ નં.૭૬ તથા તા. ૮-૮-૨૦૨૪ના ઠરાવ નં.૨૩થી રીન્યુ કરી આપેલ છે. જે વહીવટદાર દ્વારા બેદરકારી આચરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.   તેમજ આ થયેલ ઠરાવોમાં કોન્ટ્રાકટરને કેટલા સમય માટે કોન્ટ્રાકટ રીન્યુ કરેલ છે તેવી સમય મર્યાદા કયાંય જણાવેલ નથી. જેથી ઠરાવ અન્યે વહીવટદાર દ્વારા ગંભીર બેદરકારી દાખવેલ હોય અને આવડી મોટી રકમનો કોન્ટ્રાકટ રીન્યુ કરવાની સતા ન હોવા છતાં સતાનો દુરુપયોગ કરેલ હોય તેથી પોતાની મનમાનીથી ઠરાવો કરેલ છે અને આવા ઠરાવોની અમલવારી કરાવી અને કાયદો ભંગ કરી અને સરકારને નાણાકીય ખૂબ નુકશાન પહોંચાડેલ છે. જેથી આ ઠરાવો રદ કરી અને જેમના દ્વારા કરવામાં આવેલ ખોટા  ઠરાવો વિ‚ધ્ધ તેમજ અમલવારી કરાવનારાઓ વિ‚ધ્ધ કાયદાકીય પગલા લેવા વિનોદ હેમરાજ પરમારે માંગ કરી છે. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યુ છે કે વર્ષ ૨૦૦૫ પછીના કર્મચારીઓને નોટીસ આપી છૂટા કર્યા તે પૈકી અમુકને પ્રમુખ કાર્યાલયના આદેશથી ચાલુ રાખવામાં આવ્યા છે. તેથી તેમા પણ ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું જણાવીને તપાસની માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application