વીંછિયામાં રહેતી મહિલાએ બીમારીની સારવાર માટે પાડોશમાં રહેતા શખસ પાસેથી રૂપિયા 15,000 વ્યાજે લીધા હતા. જેના બદલામાં રૂપિયા 66000 ચૂકવી દીધા છતાં આ શખસ ચાર મહિનાના વ્યાજની ઉઘરાણી કરી મહિલાએ ગીરવે મૂકેલા દાગીના પડાવી લીધા હતા. એટલું જ નહીં જો વ્યાજની રકમ નહીં ચૂકવે તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વીંછિયામાં બોટાદ રોડ પર રહેતા મધુબેન વલ્લભભાઈ પાટડીયા (ઉ.વ.40) દ્વારા વીંછિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા કનુ ભીખાભાઈ રાવળનું નામ આપ્યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022 માં તે બીમાર પડતાં પૈસાની જરૂરિયાત હોય જેથી પાડોશમાં રહેતા કનુ પાસેથી રૂપિયા 15,000 વ્યાજ લીધા હતા જેના જામીન પેટે સોનાની બુટ્ટી અડધા તોલાની અને ચાંદીના સડા 500 ગ્રામના તેની પાસે ગીરવે મૂકયા હતા. વ્યાજે રકમ લીધા બાદ દર મહિનાની પહેલી તારીખે મહિલા કનુના ઘરે જઈ વ્યાજના રૂપિયા 1500 ચૂકવતી હતી.
છેલ્લા ચારેક મહિનાથી મહિલા પાસે પૈસાની સગવડ ન થતા તે વ્યાજના રૂપિયા 1500 ચૂકવી શકતી ન હતી. જેથી કનુએ આ ચાર મહિના દરમિયાન ત્રણેક વખત ઘરે આવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી અને કહેતો હતો કે જો તમે વ્યાજના પૈસા નહીં આપો તો તમારા ઘરેણાં વેચાવી નાખીશ તેમ કહી ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.
દરમિયાન મહિલા પાસે પૈસા ની સગવડતા થતા તેણે તા. 28/6 ના સાંજના કનુ પાસે જઈ રૂપિયા 15,000 રોકડ આપ્યા હતા જે કનએ લઇ લીધા હતાં. બાદમાં મહિલાએ તેની પાસે દાગીના માંગતા તેણે કહ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી વ્યાજના પૈસા આપ્યા નથી તે આપીશ પછી જ તમારા ઘરેણા પાછા આપીશ અને જો તું મારા ઘરે ઘરેણા લેવા આવી તો તારા ટાંટિયા ભાંગી નાખીશ કહી ગાળો આપી હતી અને કહ્યું હતું કે મારા ઘરે બીજીવાર આવી તો મજા નહીં આવે.
આમ મહિલાએ પાડોશમાં રહેતા કનુ રાવળ પાસેથી રૂપિયા 15,000 વ્યાજ લીધા હોય તેના બદલામાં આજદિન સુધીમાં રૂપિયા 66,000 ચૂકવી દીધા હોવા છતાં મહિલાએ ગીરવે મુકેલ અડધા તોલા ઉપરની સોનાની બુટ્ટી તથા ચાંદીના સડા 500 ગ્રામના પરત નહીં આપી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હોય અંતે મહિલાએ આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે મની લેન્ડ એકટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.