BREAKING NEWS

રાજકોટમાં પાડોશી જ હેવાન નીકળ્યોઃ મોઢે ડૂમો દઈ સગીરે 11 વર્ષની સગીરાને પીંખી, દુષ્કર્મ આચરી નરાધમે આવી ધમકી આપી

  • July 07, 2026 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના નાનામવા પાસેના વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષીય સગીરા પર પાડોશમાં રહેતા કિશોરવયના આરોપીએ ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હતું. બદકામ કર્યા બાદ આ શખસે સગીરાને જો તું કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે સગીરાની માતાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.

શહેરના નાનામવા પાસેના વિસ્તારમાં રહેતી મૂળ પાટણ પંથકની ૩૭ વર્ષીય મહિલાએ દુષ્કર્મના આ બનાવ અંગે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા સગીરનુ નામ આપ્યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પરિવાર સાથે છેલ્લા ૧૮ વર્ષથી અહીં રહે છે. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે પતિ શાકભાજીનો વેપાર કરે છે. પરંતુ ધંધો બરાબર ચાલતો ન હોવાથી હાલ પતિ-પત્ની બંને મેટોડામાં મજૂરી કામ કરે છે.

ગત તા. 5-7ના રાત્રીના આઠેક વાગ્યે મહિલા કામ પરથી ઘરે જતી હતી ત્યારે ઘર પાસે રસ્તામાં પુત્ર અને શાકભાજીની લારી પાસે ઉભો હોય તેને ઘરે માતાજીનો ધૂપ કરવા માટે મોકલ્યો હતો. થોડીવાર બાદ પુત્ર અહીં લારીએ આવ્યો હતો અને કહ્યું હતું કે મમ્મી તું ઘરે જા બહેન ખૂબ રડે છે જેથી તેઓ તુરતં ઘરે ગયા હતા. ૧૧ વર્ષની દીકરી રડતી હોય શું થયું તેમ પૂછતા તેણે કહ્યું હતું કે, આપણી બાજુમાં રહેતા શખસ સાત વાગ્યે ઘરે આવી મારું મોઢું દબાવી જો તું અવાજ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી મારા કપડાં ફાડી નાખી બદકામ કર્યું હતું અને કહ્યું હતું કે, જો તું આ બાબતે કોઈને વાત કરીશ તો હું તને બહાર નીકળવા નહીં દઉં અને તને મારી નાખીશ. આમ કહી મોબાઇલ ફેંકીને જતો રહ્યો હતો. દીકરીની આ વાતથી માતા ચોંકી ઉઠી હતી.

બાદમાં પાડોશમાં રહેતા મહિલા પણ અહીં હાજર હોય તેને પૂછતા કહ્યું હતું કે, મેં આરોપીને તમારા ઘર પાસેથી બહાર નીકળતા જોયો હતો હતો અને ત્યારબાદ દીકરી રડતી હોય અને ગભરાઈ ગઇ હતી. બાદમાં આ મામલે સગીરાની માતાએ કિશોરવયના આ પાડોશી શખસ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિદ્ધ દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવાની વધુ તપાસ પીએસઆઇ એમ.એસ. પારગી ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application