BREAKING NEWS

ભીમનગરમાં ભંગારના ડેલે ધીંગાણું: સામસામે સોડા બોટલના ઘા

  • May 12, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ભીમનગર પાસે ભંગારના ડેલે ઘીંગાણું ખેલાયું હતું. જેમાં સામસામે સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતાં. બનાવ અંગે સામસામી ફરિયાદના આધારે તાલુકા પોલીસે ત્રણ મહિલા સહિત નવ સામે રાયટીંગ, ખંડણી અને એસ્ટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. થોરાળા પોલીસ ચોકી સામે મનહર સોસાયટી શેરી નંબર 7 માં રહેતા અરમાન રઉફભાઇ ફુફાર(ઉ.વ 21) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ બાબુભાઈ વઘેરા, સુનિલ બાબુભાઈ વઘેરા, શાંતાબેન બાબુભાઈ વાઘેરા, ધારાબેન રવિભાઈ અને બાબુ વઘેરાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ભીમનગર ગેટ નંબર બે પાસે ભંગારનો ડેલો ધરાવી વેપાર કરે છે. તા. 10/5 ના બપોરના અઢી વાગ્યા આસપાસ યુવાન ભંગારના ડેલે હતો ત્યારે ભીમનગરમાં રહેતો રવિ અને સુનિલ અહીં ડેલી આવ્યા હતા સુનિલ બહાર દરવાજે ધ્યાન રાખીને ઉભો હતો અને રવિએ અંદર આવી યુવાનને કહ્યું હતું કે, તારે હપ્તો આપવાનો છે કે કેમ? જો તમારે અહીંયા રહેવું હોય તો તમારે અમને હપ્તો આપવો પડશે નહીંતર અમે તમારી ઉપર ખોટી એટ્રોસિટી લગાડી ફીટ કરી દઈશું. એમ કહી રવિ એ પેન્ટના નેફામાંથી છરી કાઢી યુવાનને બતાવી કહ્યું હતું કે, આ કોઈની સગી નહીં થાય જો રૂપિયા નહીં આપે તો પછી હું તમારા બધાના ટાંટીયા ભાંગી નાખીશ અહીંયા ધંધો કરવા જેવા નહીં રહેવા દઉં. રવિની આ વાત સાંભળી યુવાને ગભરાઈ કાઉન્ટરના ખાનામાં રાખેલા વેપારના રૂપિયા 15,000 કાઢી રવિને આપી દીધા હતા. બાદમાં રવિ અને સુનિલ બને અહીંથી જતા રહ્યા હતા. દરમિયાન યુવાનના પિતા તથા કાકા રિયાઝભાઈ ડેલે આવી જતા તેમને આ બનાવ અંગે વાત કરી હતી. બાદમાં યુવાનના કાકા રિયાઝ ભાઈ તથા યુવાન ચારેક વાગ્યા આસપાસ બાબુભાઈના ઘરે રવિ પાસેથી પૈસા પાછા લેવા માટે બાબુભાઈ સાથે વાતચીત કરવા ગયા હતા ત્યારે બાબુભાઈના પત્ની શાંતાબેને કહ્યું હતું કે બાબુભાઈ અત્યારે સુતા છે જાગે એટલે તમારે ત્યાં મોકલીશ. સાડા ચાર વાગ્યા આસપાસ રવિના પિતા બાબુભાઈ પાઈપ લઈ અહીં ડેલે આવ્યા હતા અને કહ્યું હતું કે, તું મારા દીકરાને પૈસા આપવાની શા માટે ના પાડે છે? હું ભીમ નગરનો આગેવાન છું તમારે ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે. આમ કહી ગાળો આપવા લાગ્યા હતા યુવાનના પિતા અને કાકાએ બાબુભાઈને ગાળો બોલવાની ના પાડતા તેણે ઉશ્કેરાઇ યુવાનના પિતા તથા કાકાને ગાળો આપી હતી દરમિયાન રવિ સુનિલ તથા બાબુની પત્ની શાંતા અને રવિની પત્ની ધારા ધોકા-પાઇપ અને સોડાની બોટલો લઈને અહીં આવ્યા હતા સુનિલે ડેલા પર બોટલોના ઘા કર્યા હતા અને બાબુએ યુવાનને પગમાં પાઇપ ફટકારી દીધો હતો. જેથી ડરી યુવાન અને તેના પિતા તથા ડેલાની અંદર જતા રહ્યા હતા દરમિયાન યુવાનના માતા નસીમાબેન અહીં ડેલે આવતા શાંતાબેન અને ધારાબેનને તેની સાથે ઝપાઝપી કરી ફડાકા મારી દીધા હતા. બાબુભાઈએ જતા જતા કહ્યું હતું કે, જો હવે પછી ભંગારનો ડેલો ખોલ્યો તો જાનથી મારી નાખીશું. જે અંગે યુવાનની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આરોપીઓ સામે રાયોટ, ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. સામાપક્ષે રવિરાજ બાબુભાઈ વધેરા(ઉ.વ.29 રહે. નાના માવા મેઇન રોડ, જય ભીમનગર શેરી નંબર 8) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રઉફ ઉર્ફે મુન્નો ફુફાર, રિયાઝ, અરમાન અને નસીમબેનના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારના બપોરના અઢી વાગ્યા આસપાસ તે ભીમનગર ગેટ નંબર 2 ના ખૂણા પાસે રઉફના ડેલાની બાજુમાં હતો ત્યારે રઉફ જાહેરમાં લઘુશંકા કરતો હોય તેથી તેને ના પાડતા તે એકદમ ઉચકેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો તેની પાસે છરી હોય જે છરી વડે હુમલો કરવાની કોશિશ કરી હતી. દમિયાન યુવાનના પિતા બાબુભાઈ આવી જતા તેને છોડાવી ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ બપોરના ચારેક વાગ્યા આસપાસ રઉફ તેનો પુત્ર અરમાન યુવાનના ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે, બાજવુ હોય તો અમારા ડેલે આવી જજો. બાદમાં સમાધાન માટે યુવાનના પિતા બાબુભાઈ તથા તેનો ભાઈ સુનિલ અને તેની માતા શાંતાબેન તથા લતાના બીજા ચાર પાંચ બહેનો ડેલે ગયા હતા ત્યારે અને રઉફ તેનો ભાઈ રિયાઝ અને તેનો પુત્ર અરમાન હાજર હોય જેમના હાથમાં છરી,ધોકા-પાઇપ હતાં. વાતચીત કરતા સમયે ઉગ્ર બની રઉફની પત્ની નસીમે યુવકની માતા શાંતાબેન સાથે ઝપાઝપી કરી જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી મારવા દોડયા હતા. જેથી યુવાન તથા તેના પરિવારજનો શેરીના ખૂણે જતા રહ્યા હતા. બાદમાં આ ત્રણેય શખસોએ સોડા બોટલના ઘા કરતા તેનો કાચ યુવકની માતા શાંતાબેનને કાનના ભાગે વાગ્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application