જેતપુરમાં સગીરાના અપહરણની ઘટના બની હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી સગીરા અને તેને ભગાડી જનાર શખસ બંનેને ગીર સોમનાથથી શોધી કાઢ્યા હતા. બાદમાં સગીરાનુ મેડિકલ ચેકઅપ કરાવતા આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું હતું. જેથી પોલીસે રાજકોટમાં રહેતા આરોપી સામે દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કર્યો છે. આરોપી સગીરાને ભગાડી ગયા બાદ દિલ્હી, મથુરા સહિતના સ્થળોએ ફરવા લઈ ગયો હતો અને આ દરમિયાન તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ જેતપુરમાંથી સગીરાનું અપહરણ થયા અંગે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઇ રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શનમાં જેતપુર સીટી પોલીસ મથકના પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સગીરાને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીએસઆઇ જે.પી. મલ્હોત્રાને મળેલી હકીકતના આધારે પોલીસે ગીર સોમનાથ ખાતેથી આરોપી વિશાલ મોહનભાઈ રાજભોય સલાટ (ઉ.વ. 19 રહે. ઢેબર કોલોની માલવિયા કોલેજ, પાછળ ગોંડલ રોડ, રાજકોટ) ને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી.
બંનેને જેતપુર લવાયા બાદ નિયમ મુજબ પોલીસે સગીરાનુ મેડિકલ ચેક કરાવતા આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું હતું જેથી પોલીસે આરોપી વિશાલ રાજભોય સામે દુષ્કર્મ અને પોકસો એક્ટની કલમનો ઉમેરો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અને સગીરા બંને એક જ્ઞાતિના હોય જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ આરોપી સગીરાને અહીંથી 17 દિવસ પૂર્વે ભગાડી ગયો હતો બાદમાં તેને દિલ્હી, મથુરા અને ત્યારબાદ સોમનાથ સહિતના સ્થળોએ ફરવા લઈ ગયો હતો અને આ દરમિયાન તેને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.