સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર કરાશે યોગ દિવસની ભવ્ય ઉજવણી

  • June 20, 2024 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૨૧ જૂનના રોજ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે જિલ્લા તથા રણમલ તળાવ ખાતે મહાનગરપાલિકા કક્ષાના “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની કરાશે ઉજવણી: કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિત બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ ઉજવણીમાં જોડાશે


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ૨૦૧૫ થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. જે અંતર્ગત ચાલુ વર્ષ તારીખ ૨૧મી જુન ૨૦૨૪ ના રોજ ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રકક્ષા ઉજવણીના કાર્યક્રમ માટે શ્રીનગર ની પસંદગી થયેલ છે. 

                     

જે અંતર્ગત ગુજરાત ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ ભારત-પાકીસ્તાન સરહદને અડીને આવેલ નડાબેટ ખાતે રાજ્ય સરકારના રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત રાજ્ય અને બોર્ડર સિક્યોરીટી ફોર્સના સહ આયોજનમાં યોજાનાર છે. ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ રાખવામાં આવેલ છે. ગુજરાતના ૩૧૨ મુખ્ય સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર ગુજરાત યોગમય બનશે. 

                      

જે અન્વયે જામનગર જિલ્લા ખાતે પણ વહીવટી તંત્ર દ્વારા તાલુકાકક્ષા, નગરપાલિકાકક્ષા તેમજ જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રણમલ તળાવ ગેટ નં.૦૧ ખાતે અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતે થનાર છે. ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ખાતે મુખ્ય અતિથી તરીકે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયીબેન ગલચર તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યોશ્રી, અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ કલેકટરશ્રી જામનગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગર, પોલીસ અધિક્ષકશ્રી જામનગર વગેરે તેમજ મહાનગરપાલિકા ક્ક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે સાંસદ શ્રી પૂનમબેન માડમ અને મેયર શ્રી વિનોદભાઈ ખીમસુર્યા તેમજ તમામ કોર્પોરેટરશ્રીઓ અને અન્ય પદાધિકારીશ્રીઓ, કમિશનરશ્રી, નાયબ કમિશનરશ્રી તેમજ અધિકારીશ્રીઓ ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ઉપસ્થિત રહેશે.


જામનગર જિલ્લાના તાલુકા કક્ષા/નગરપાલિકા કક્ષાના સંયુક્ત કાર્યક્રમ કાલાવડમાં જી.પી.એસ. સ્કુલ કાલાવડ, ધ્રોલમાં જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ, જામજોધપુરમાં વિઝન સ્કુલ જામજોધપુર ખાતે યોજાનાર છે. તાલુકા કક્ષાના  કાર્યક્રમ જોડિયામાં સાંઈ વિદ્યાસંકુલ, જોડિયા અને લાલપુરમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ વીર સાવરકર હાઈસ્કુલ તેમજ જામનગર ગ્રામ્યનો કાર્યક્રમ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, નાઘેડી ખાતે યોજાનાર છે. નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ સિક્કા ખાતે આવેલ સિક્કા નગરપાલિકા સંચાલિત શાળા, સિક્કા ખાતે યોજાશે.

જેથી જામનગર જિલ્લાની તમામ જનતાને આ ૨૧મી જુનના ભવ્ય કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઇ સહભાગી થવા જિલ્લા વહિવટી તંત્ર જામનગર દ્વારા અનુરોધ કરાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application