કુવાડવામાં જન ઔષધિ કેન્દ્ર સામે જ મિનિ હોસ્પિટલ ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

  • September 25, 2024 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગ્રામીણ વિસ્તારોમાં ડિગ્રી વગર કિલનિક ખોલી જન આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબો સમયાંતરે પકડાતા રહે છે ત્યારે વધુ એક આવો ડિગ્રી વગરનો ડોકટર પોલીસના હાથે ઝડપાયો છે. રાજકોટના કુવાડવા ગામે જન ઔષધી કેન્દ્રની સામે જ મકાનમાં મીની હોસ્પિટલ ચલાવનાર બારવણ ગામના શખસને એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. આરોપી બીસીએ ફેઈલ હોય તબીબ ભાઈ સાથે કમ્પાઉન્ડરી કર્યા બાદ છેલ્લા એક વર્ષથી અહીં ડિગ્રી વગર તે દર્દીને જોઈ તપાસી ઈલાજ કરતો હોવાનું માલુમ પડું છે. પોલીસે અહીંથી દવા અને મેડિકલના સાધનો તથા રોકડ રકમ સહિત ૩૦,૭૨૭ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસઓજી પી.આઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એન.વી. હરિયાણી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ ફિરોઝભાઈ શેખ, હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા,રાજેશભાઇ બાળાને એવી બાતમી મળી હતી કે, કુવાડવા ગામે એક શખસ ડિગ્રી વગર કિલનિક ચલાવી જન આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે આ બાતમીના આધારે એસોજીની ટીમ અહીં કુવાડવા ગામમાં પહોંચી હતી.
પોલીસે અહીં જન ઔષધી કેન્દ્રની સામે ખોડીયાર કૃપા નામના મકાનમાં ચાલી રહેલી મીની હોસ્પિટલમાં તપાસ કરતા પોતાની જાતને ડોકટર તરીકે ઓળખાવનાર શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ શૈલેષ ભગવાનજીભાઈ સાકરીયા (ઉ.વ ૩૪ રહે. બારમણ તા.રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે મેડિકલ પ્રેકિટસ અંગેની ડિગ્રી માંગતા તેની પાસે આવી કોઈ ડીગ્રી ન હોવાનું માલુમ પડું હતું. જેથી પોલીસે અહીંથી અલગ–અલગ પ્રકારની દવા અને રોકડ સહિત ૩૦,૭૨૭ નો મુદ્દામાલ કબજે કરી આરોપી શૈલેષ સાકરીયા સામે મેડિકલ પ્રેકિટસ એકટની કલમ હેઠળ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે,આરોપી શૈલેષ સાકરીયાએ બીસીએ ફેઈલ છે અગાઉ તબીબ ભાઈ સાથે કમ્પાઉન્ડરી કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તે અહીં કુવાડવા ગામે ડિગ્રી વગર આ મીની હોસ્પિટલ ચલાવતો હતો આ અંગે કુવાડવા રોડ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application