ઉપલેટા પંથકની કિશોરીને બદ ઇરાદાથી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનાનો કેસ ચાલી જતા ધોરાજીની અદાલતે 90 ટકા ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગને ૨૦ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે, જ્યારે ગુજરાત સરકારની વિકટીમ કોમ્પોન્સેશન સ્કીમ હેઠળ પીડીતાને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું
આ અંગેની હકિકત મુજબ, ઉપલેટા પંથકની 15 વર્ષની કિશોરીને ફોસલાવી બદકામ કરવાના ઇરાદે મુળ દાહોદ પંથકનો અને હાલ ઉપલેટા પંથકમાં રહેતો સુરેશ દલસિંગ માવીએ અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યા અંગેની ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ભાયાવદર પોલીસે ત્વરિત કામગીરી કરી પી.આઈ વી.સી. પરમાર સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં જ સુરેશ દલસિંગ માવીની ધરપકડ કરી હતી. જ્યારે ગુનાના કામે અપહરણમાં મદદ કરનાર સુનિલ હિમસિંગ નામના શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. જે આજ દિવસ સુધી પકડાયો નથી. ભોગ બનનારનું ઉપલેટાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી વાય પટેલ સમક્ષ નિવેદન લેવામાં આવ્યું હતું.
શરીર સંબંધ ઝૂંપડામાં બાંધતો
ભોગ બનનાર સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં સુરેશે એક ચિઠ્ઠી આપેલી અને કહેલું કે "તારે મારી સાથે પ્રેમ કરવો છે? આથી ભોગ બનનારે જણાવેલ કે આ પ્રેમ એટલે શું? તો સુરેશે જણાવેલ કે એકબીજા સાથે રહેવું, તારે મારી સાથે બોલવાનું, તારે જે જોઈતું હોય એ હું તને આપીશ આવું કહીને ભોગ બનનારને લલચાવી ફોસલાવેલ અને તેણીની મરજી વગર શરીર સંબંધ ઝૂંપડામાં બાંધતો. તપાસના અંતે અધિકારી વી. સી. પરમારે ચાર્જશીટ ફરમાવેલું હતું. બાદ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખએ આરોપી વિરુદ્ધ ચાર્જ ફરમાવેલ અને સરકાર પક્ષે માત્ર ૭ જ વિટનેસ તપાસવામાં આવેલ અને ટૂંકા ગાળામાં કેસ પૂર્ણ કરાવેલ.
આરોપી પ્રેમનું કહે છે તો પૂછે છે કે પ્રેમ એટલે શું?
પુરાવો નોંધાઈ ગયા બાદ આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી જાતે ચાલી શકે તેમ નથી 90 ટકા પગેથી દિવ્યાંગ છે, સંભોગ કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી. ત્યારે તેમને બળજબરીથી શરીર સંભોગ કર્યો છે તેવું માની શકાય નહીં. બાદ સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખે દલીલ કરેલી કે, ભોગ બનનાર એટલી કુમળી વયની છે કે તેમને લાગણીઓના સંબંધોની પણ ખબર નથી તે સહજ ભાવે આરોપી પ્રેમનું કહે છે તો પૂછે છે કે પ્રેમ એટલે શું? તેનો પણ જવાબ આરોપીએ પોતાની બદ દાનતથી ખોટો આપેલો છે. ભોગ બનનારનું અપહરણ કરેલું છે. શારીરિક સંભોગ તે મેડીકો લીગલ વિષયમાં જોવામાં આવે તો શારીરિક કરતા પણ વધારે માનસિક પ્રક્રિયા છે. આરોપી શરીર સંભોગ કરવા માટે સક્ષમ અને સમર્થ છે તેવું ડોક્ટર તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવેલું છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ ભોગ બનનાર સગીરા હોવાનું પણ પુરવાર છે. ત્યારે આરોપીને તકસીરવાર ઠરાવવા જોઈએ તેવી રજૂઆત કરાઈ હતી.
ભોગ બનનારને વળતર ચૂકવવા આદેશ
બંને પક્ષની દલીલોને સાંભળી એડિશનલ સેશન્સ જજ અલી હુસેન મોહી બુલ્લા શેખે આરોપી સુરેશ દલસિંગ માવીને તકસીરવાર ઠરાવી અને ૨૦ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે. તેમજ ભોગ બનનારને વળતર ચૂકવવા ગુજરાત સરકારની વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રકમ ચૂકવવા આદેશ કર્યો છે.