BREAKING NEWS

કાલે ગાંધીનગરમાં નવાજૂનીના એંધાણ, મોરબીથી 60થી ટ્રેક્ટરોની ગર્જના સાથે ખેડૂતોની કૂચ

  • June 14, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને ફરી એકવાર આક્રમક મિજાજમાં જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને ખાસ કરીને ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનોના વળતર મુદ્દે મોરબી જિલ્લાના ખેડૂતોએ ગાંધીનગર કૂચનું રણશિંગું ફૂંક્યું છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રવિવારના રોજ મોરબીથી ૬૦થી વધુ ટ્રેક્ટરોના વિશાળ કાફલા સાથે ખેડૂતો પાટનગર ગાંધીનગર જવા રવાના થયા છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ આંદોલનનો સૌથી મોટો વળાંક ખેડૂતોનું આગોતરું આયોજન રહ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારની ટ્રેક્ટર રેલી ૧૫ જૂનના રોજ યોજવાનું આયોજન હતું, પરંતુ ભૂતકાળમાં પોલીસ દ્વારા ખેડૂત નેતાઓની અટકાયત કે નજરકેદ કરવાના અનુભવોને જોતા ખેડૂતોએ 'માસ્ટરસ્ટ્રોક' માર્યો છે. પોલીસ તંત્ર સક્રિય થાય અને રેલીને અટકાવે તે પહેલાં જ ખેડૂતોએ નિર્ધારિત સમય કરતાં એક દિવસ અગાઉ એટલે કે રવિવારે જ ટ્રેક્ટરો સાથે કૂચ શરૂ કરી દીધી હતી. ખેડૂતોના આ આકસ્મિક આયોજનથી વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ અચંબામાં મુકાઈ ગયા છે.

આ રેલીની આગેવાની લઈ રહેલા જાણીતા ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આંદોલનના મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ કર્યા છે. તેમણે જણાવ્યું કે, ખેતરોમાંથી પસાર થતા વીજપોલ અને હાઈટેન્શન લાઈનોના કારણે ખેડૂતોની કિંમતી જમીનને નુકસાન થાય છે, જેનું યોગ્ય વળતર આપવા બાબતે જેતપર ગામના ખેડૂતો છેલ્લા ૧૫ દિવસથી શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા. પરંતુ સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા હવે ગાંધીનગર સુધી લડત લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ખેડૂતોના દેવા માફી, પાક વીમાની વિસંગતતાઓ અને અન્ય ખેડૂતલક્ષી પડતર પ્રશ્નો આ આંદોલનના કેન્દ્ર સ્થાને છે.

હાલમાં ૬૦થી વધુ ટ્રેક્ટરોનો આ વિશાળ કાફલો જ્યારે રસ્તા પર નીકળ્યો ત્યારે 'જમીન અમારી, નિર્ણય અમારો'ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પાલભાઈ આંબલિયા સહિતના ખેડૂત આગેવાનો આ રેલીમાં જોડાઈને ખેડૂતોનો ઉત્સાહ વધારી રહ્યા છે. ખેડૂતોની આ એકતા જોઈને હવે મોટો સવાલ એ ઊભો થયો છે કે શું સરકાર અને ગુજરાત પોલીસ આ કાફલાને ગાંધીનગરની સરહદમાં પ્રવેશવા દેશે? રસ્તામાં વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આગામી કલાકોમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાની પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

ખેડૂતોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પાછા હટશે નહીં. એક તરફ ખેડૂતો ગાંધીનગર પહોંચવા મક્કમ છે, તો બીજી તરફ સરકાર આ આંદોલનને કઈ રીતે શાંત પાડે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. રવિવારે જ શરૂ થયેલી આ કૂચને કારણે ૧૫ જૂને ગાંધીનગરમાં સ્થિતિ વધુ તંગ બની શકે છે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application