રાજકોટ મહાપાલિકામાં ગત ૧૨.૩.૨૦૨૬ના રોજથી લાગુ થયેલા ૭૭ દિવસના વહીવટદાર રાજનો આવતીકાલે અંત આવશે અને ભાજપ વધુ એક વખત શાસન સંભાળશે. આવતીકાલે તા.૨૮.૫.૨૦૨૬ને ગુરુવારે સવારે ૧૦ કલાકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવેના અધ્યક્ષ સ્થાને મળનારી ભાજપની પાર્ટી સંકલન મિટિંગમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને શાસક પક્ષના દંડક સહિતના મુખ્ય પાંચ પદાધિકારીના નામની જાહેરાત થશે ત્યારબાદ ૧૧ કલાકે મળનારી સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં સતાવાર પ્રક્રિયાને અંતે નવા પદાધિકારીઓ પદગ્રહણ કરશે.
મ્યુનિસિપલ કમિશનરના આદેશથી સેક્રેટરી દ્વારા પ્રસિધ્ધ કરાયેલા આવતીકાલની મિટિંગમાં એજન્ડામાં ત્રણ દરખાસ્તો છે જેમાં (૧) ધી જી.પી.એમ.સી.એક્ટ-૧૯૪૯ની કલમ-૧૯(૧) મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી કરવા બાબત (૨) ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ-૧૯(૧)(કક) મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવા બાબત તેમજ (૩) ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ-૨૦(૨) મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ૧૨ સભ્યો નીમવા સહિતનો સમાવેશ કરાયો છે.
રાજકોટનું મેયર પદ કડવા પાટીદારને અપાય તો અશ્વિન ભોરણીયા અને વિકલ્પે જયસુખ કાથરોટિયા કે કિશન ટીલવા, બ્રહ્મસમાજને અપાય તો નેહલ શુક્લ, લેઉવા પાટીદાર ને અપાય તો કેતન ઠુમ્મર અથવા દિલીપ લુણાગરિયા, ક્ષત્રિય સમાજને અપાય તો નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજાનું મોખરે છે.
ડેપ્યુટી મેયર પદ મહિલાને અપાય તેવી પ્રબળ સંભાવના છે અને તેમાં પણ રઘુવંશી સમાજના મહિલાને અપાશે તેવી વાત છે. જો કોઈ ફેરફાર ન થાય તો ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીનું નામ નિશ્ચિત છે તેમ છતાં વર્ષાબેન પાંધી, નીતાબેન લાલ, રસીલાબેન સાકરિયા અને પ્રજાપતિ મિતલબેન લાઠીયા સહિતના નામો રેસમાં છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા, નેહલ શુક્લ, કેતન ઠુમ્મર, દિલીપ લુણાગરિયા તેમજ પ્રદીપ ડવ અથવા ઘનશ્યામ હેરભા સહિતના નામો ચર્ચામાં છે. હવે પ્રદેશ ક્યા નામ ઉપર પસંદગીનો કળશ ઢોળશે તે તો કાલે પાર્ટી સંકલન મિટિંગ પૂર્ણ થયે જ ખ્યાલ આવશે.
ઉપરોક્ત નામોમાંથી ત્રણ પદાધિકારીઓની નિયુક્તિ બાદ વધતા નામોમાંથી શાસક નેતા અને શાસક પક્ષના દંડકની પસંદગી થશે.
સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં આ મુજબ થશે પ્રોસિડિંગ
૧. સવારે ૧૧:૦૦ કલાકે મિટિંગ પ્રારંભ
૨. ગત મિટિંગના રોજકામનું વાંચન
૩. વંદે માતરમ્ ગાન
૪. મ્યુનિ.કમિશનર સ્પીચ (જો આપે તો)
૫. એજન્ડાની આઇટમ ઉપર કાર્યવાહી
૬. દરખાસ્ત નં.૧ મેયરની ચૂંટણી (પ્રક્રિયા સમય ૧૫ મિનિટ)
૭. ચૂંટાનાર મેયરનું સભાધ્યક્ષ પદે સ્થાનગ્રહણ
૮. દરખાસ્ત નં.ર ડે.મેયરની ચૂંટણી (પ્રક્રિયા સમય ૧૫ મિનિટ) અને નાયબ સભાધ્યક્ષ પદે સ્થાનગ્રહણ
૯. દરખાસ્ત નં.૩ સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોની નિયુક્તિ
૧૦. વંદે માતરમ્ ગાન
સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં આ મુજબ થશે પ્રોસિડિંગ
રાજકોટ મહાપાલિકાની વણલખી રાજકીય પરંપરા મુજબ સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના ૧૨ નામ જાહેર થાય તેમાં જે નામ પ્રથમ ક્રમે હોય તે ચેરમેન હોય છે. સ્પેશ્યલ બોર્ડ મિટિંગ પૂર્ણ થયા બાદ તુરંત બપોરે ૧૨:૩૦ કલાકે સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ મિટિંગ મળશે. મિટિંગ અંતર્ગત સૌપ્રથમ કાર્યકારી ચેરમેનની નિયુક્તિ થશે અને તેમના અધ્યક્ષસ્થાને મિટિંગની કાર્યવાહી થશે, ત્યારબાદ એજન્ડાની દરખાસ્ત અનુસાર સૌ સભ્યો સાથે મળી ચેરમેન ચૂંટશે.
ગૃહમાં જમણે શાસક,ડાબે વિપક્ષ બેસશે
રાજકોટ મહાપાલિકામાં ડો.આંબેડકર ભવનના બીજા માળે આવેલા રમેશભાઇ છાયા સભાગૃહમાં નક્કી થયેલી બેઠક વ્યવસ્થા મુજબ ગૃહમાં સભાધ્યક્ષની ખુરશીથી જમણી બાજુ શાસક પક્ષ ભાજપના ૬૫ કોર્પોરેટર બેસશે અને ડાબી બાજુએ વિપક્ષ કોંગ્રેસના સાત કોર્પોરેટર બેસશે. આવતીકાલે મળનારી સ્પેશ્યલ બોર્ડ મિટિંગ પૂર્વે આજે સભાગૃહની સાફ સફાઇ કરી સજાવટ કરવામાં આવી હતી.
પ્રેક્ષક ગેલેરીમાં નાગરિકોને પ્રવેશ અપાશે
મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે મળનારી સ્પેશ્યલ બોર્ડ મિટિંગની કાર્યવાહી નિહાળવા સભાગૃહની પ્રેક્ષક ગેલેરીમાં સામાન્ય નાગરિકોને પણ પ્રવેશ અપાશે. અલબત્ત સામાન્ય નાગરિકો ક્યારેય સભાની કાર્યવાહી નિહાળવા આવતા હોતા નથી આથી રાજકીય આગેવાનો અને કાર્યકરો જ પ્રેક્ષક ગેલેરીમાં સ્થાન જમાવતા હોય છે. પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ માટે સભાના એક કલાક પૂર્વે પાસ મેળવાનો રહેશે.
કોંગ્રેસને વિપક્ષનો દરજ્જો નહીં મળે
રાજકોટ મહાપાલિકામાં સાત બેઠકો મેળવનાર કોંગ્રેસને આ વખતે વિપક્ષનો દરજ્જો કે વિપક્ષી નેતા પદ, કાર્યાલય કે કાર જેવી સુવિધા અપાશે નહીં તેમ શાસકપક્ષના વર્તુળોમાંથી જાણવા મળે છે. શાસકોના મતે વિપક્ષી નેતા પદ મેળવવા માટે કુલ બેઠકના ૧૦ ટકા બેઠક મેળવવી જરૂરી હોય છે, જે કોંગ્રેસ મેળવી શકી નથી.