BREAKING NEWS

વડોદરામાં પરોઢિયે કાળમુખો અકસ્માત, રસ્તા પર ઉભી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસીઃ 7 લોકોના મોત

  • June 17, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરા શહેરમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા મોટી જાનહાનિ સર્જાઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં એક નિર્દોષ નવ વર્ષના બાળક સહિત કુલ સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 25થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના લીધે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને બચાવ કામગીરી માટે સેના જેવી જહેમત ઉઠાવવી પડી હતી.


મળતી વિગતો અનુસાર, આ અકસ્માત આજે વહેલી સવારે અંદાજે ચાર વાગ્યાની આસપાસ વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક હાઈવે પર સર્જાયો હતો. બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ મુસાફરોને લઈને રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહી હતી. તે દરમિયાન વડોદરા નજીક રોડ કિનારે ઉભેલી એક ટ્રક પાછળ બસ ઘૂસી ગઈ હતી. અકસ્માત થતાં જ બસમાં ચીસાચીસ અને આક્રંદ છવાઈ ગયો હતો. બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો અને તેમાં અનેક મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાયા હતા.


ઘટનાની ગંભીરતાને જોતાં વડોદરા ફાયર બ્રિગેડની પાણીગેટ તેમજ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ સાથે જ રેસ્ક્યૂ ઓપરેશન માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતરી હતી. ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ દ્વારા જેસીબી મશીનની મદદ લેવી પડી હતી અને બંને વાહનોને ભારે જહેમત બાદ અલગ કરાયા હતા. બસના પતરા કાપીને ઘાયલો અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રેનની મદદથી વાહનો હટાવી હાલોલથી આવતા માર્ગ પર સર્જાયેલો ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ ક્લિયર કરાવાયો હતો.


આ અકસ્માતમાં ઘટનાસ્થળે અને સારવાર દરમિયાન કુલ સાત લોકોએ દમ તોડ્યો હતો, જેમાં છ પુખ્ત વયના મુસાફરો અને એક નવ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય 25થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક વડોદરાની એસ.એસ.જી. સિવિલ હોસ્પિટલ તેમજ નજીકની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તો પૈકી ચાર મુસાફરોની હાલત ગંભીર છે, જેને પગલે વડોદરાના ડેપ્યુટી મેયરે હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના સગા-સંબંધીઓની સુવિધા માટે તાત્કાલિક હેલ્પ ડેસ્ક શરૂ કરવાની સૂચના આપી છે.


અકસ્માતનો ભોગ બનેલા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંસીલાલ નામના મુસાફરે આ ભયાનક અનુભવ વર્ણવતા જણાવ્યું કે, તે રાજસ્થાનથી સુરત મજૂરી કામ અર્થે જઈ રહ્યો હતો અને વહેલી સવારે બસમાં ઊંઘી રહ્યો હતો. અચાનક એક જોરદાર ધડાકો થયો. અકસ્માત એટલો જોરદાર હતો કે જાણે શરીરમાંથી વીજળીનો મોટો કરંટ પસાર થયો હોય તેવો ભયાનક અનુભવ થયો હતો. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.


મૃતકોની યાદી

વિનોદ નરેશ ડામોર (ઉં.વ. 30)

મુકેશ જીવાજી ડિંડોર (ઉં.વ. 34)

પ્રિત હિતેશ ભાટીયા (ઉં.વ. 9 )

મહેન્દ્રકુમાર ભોગીલાલ પંડ્યા (ઉં.વ. 68)

પિંકી ભાટીયા (ઉં.વ.36)

હરજીંગભાઈ વાલજીભાઈ કટારા (ઉં.વ. 30)


ઈજાગ્રસ્તોની યાદી

ઈજાગ્રસ્તોમાં પિંકી રાવલ, રામચંદ્ર ડોરીય,  મહેન્દ્ર કટારા, આશિષ કટારા, જીવરાજભાઈ, પંકજભાઈ, વિજય કટારા, સાગર કટારા, કલ્પેશ ગાયર, ધર્મિષ્ઠા, રમેશભાઈ, કમલેશભાઈ કટારા, મનીષા રાવલ, શિલ્પા પાટીદાર, આશિષ યાદવ, બંસીલાલ રાણે, ગુંજનબેન, પિન્ટુ ચારપોટ, ભેરુલાલ મીણા, સીમા યાદવ, ભગવતીભાઈ, પાયલબેન નાઈ, સુરેશભાઈ ડિંડોર, પંકજભાઈ ચારપોટ અને માયાબેન પાટીદારનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application