BREAKING NEWS

રાજકોટમાં ફૂડ વિભાગનું મેગા ચેકિંગ: 6 ખ્યાતનામ પેઢીઓ સીલ, 518 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

  • June 30, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમોએ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ 84 પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સની કડક તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન આરોગ્ય માટે જોખમી અને અત્યંત ગંદકીવાળી સ્થિતિમાં ચાલતી 6 જાણીતી પેઢીઓને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે. સમગ્ર ચેકિંગ દરમિયાન કુલ 518 કિલોગ્રામ વાસી તેમજ અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર 24 પેઢીઓને નોટિસ ફટકારીને કુલ રૂપિયા 79,500 નો વહીવટી ચાર્જ (દંડ) વસૂલ કરવામાં આવ્યો છે.

આ 6 અગ્રણી પેઢીઓને તંત્રએ ફટકાર્યા સીલ

મહાનગરપાલિકાની ટીમે અસ્વચ્છતા અને લાયસન્સના નિયમોના ભંગ બદલ નીચે મુજબની મુખ્ય પેઢીઓ સામે સીલિંગની કડક કાર્યવાહી કરી છે:

તુલશી બેકરી (મવડી મેઇન રોડ): સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ નીચે આવેલ આ પેઢીમાં અત્યંત અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ અને ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. અહીંથી પડતર પડેલ બેકરી પ્રોડક્ટ્સ, પાઉં અને બાંધેલો લોટ સહિત આશરે 160 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરી ₹10,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ક્રિષ્ના રેસ્ટોરન્ટ (મવડી મેઇન રોડ): આનંદ બંગલા ચોક પાસે આવેલી આ રેસ્ટોરન્ટમાંથી વાસી શાકભાજી, ગ્રેવી, બાંધેલો લોટ, દાળ, મંચુરિયન અને નૂડલ્સ સહિત આશરે 135 કિલોગ્રામ અખાદ્ય સામગ્રી મળી આવતા તેનો નાશ કરાયો હતો અને ₹10,000 ના દંડ સાથે પેઢી સીલ કરાઈ હતી.

શ્રી પટેલ સ્વીટ્સ (મવડી પ્લોટ): દર્શન-4, ગુજરાત વાયરની બાજુમાં આવેલી આ દુકાનને સીલ કરી ₹10,000 નો દંડ વસૂલાયો હતો અને તપાસ અર્થે લૂઝ પનીરનો નમૂનો લેવાયો હતો.

શ્રી પટેલ વિજય સ્વીટ્સ & નમકીન (જૂના મોરબી રોડ): જકાત નાકા પાસે આવેલી આ પેઢીમાંથી એક્સપાયર્ડ થયેલ ફ્લેવર એસેન્સ, પીઝા બેઝ, બિસ્કીટ, મીઠાઈ અને નમકીન સહિત 29 કિલોગ્રામ જથ્થાનો નાશ કરી, ₹5,000 ના દંડ સાથે દુકાન સીલ કરાઈ હતી.

વિજયભાઈ નારણભાઇ ગામરા (ગોંડલ રોડ): જેકે હોન્ડા શોરૂમ પાછળ, વિજય પ્લોટ-24 માં ચાલતી આ પેઢીને સીલ કરી ₹5,000 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને પનીરનો નમૂનો લેવાયો હતો.

જય બજરંગ ડેરી પ્રોડક્ટ્સ (મોરબી રોડ): કલ્પતરૂ સોસાયટી પાસે આવેલ આ સ્થળેથી લેબલ વગરના 10 કિલોગ્રામ પનીરના જથ્થાનો નાશ કરી, ₹2,000 નો દંડ વસૂલી પેઢી સીલ કરવામાં આવી હતી.​​​​​​​


વિવિધ હોકર્સ ઝોન અને ખાણીપીણી બજારોમાં સપાટો

શીતલ પાર્ક (એરપોર્ટ રોડ હોકર્સ ઝોન): અહીં 'MGM પંજાબી & ચાઇનીઝ'માંથી 5 કિલો વાસી મંચૂરિયન, 'જય સિયારામ વડાપાઉં'માંથી 1 કિલો મરચાની ચટણી તેમજ 'શિવશક્તિ ચાઇનીઝ'માંથી અજીનોમોટોનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય 5 પેઢીઓને લાયસન્સ બાબતે નોટિસ અપાઈ હતી.

રેસકોર્સ હોકર્સ ઝોન: આ વિસ્તારમાં 'A-1 ચાઇનીઝ'માંથી 5 કિલો વાસી મંચૂરિયન (દંડ ₹2,000), 'આમચી મુંબઈ'માંથી 2 કિલો મસાલા (દંડ ₹200) અને 'સંતોષ બટેટા પૂરી'માંથી 3 કિલો અખાદ્ય ચટણી (દંડ ₹500) નો નાશ કરાયો હતો. અન્ય કેટલીક પેઢીઓ પાસેથી પણ સામાન્ય દંડ વસૂલી લાયસન્સ અંગે નોટિસો અપાઈ હતી.

હાઈવે, બસ સ્ટેન્ડ અને અન્ય વિસ્તારોમાં કડક કાર્યવાહી

આરોગ્ય વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટ્સ અને ભીડભાડ વાળા વિસ્તારોને પણ આવરી લેવાયા હતા. ગોંડલ રોડ પર આવેલી 'સંગિતા રેસ્ટોરન્ટ'માંથી 22 કિલો વાસી કઠોળ-ચણાનો નાશ કરી ₹2,500 નો દંડ વસૂલાયો હતો. જ્યારે 'શિવ રગડો'માંથી 5 લીટર અખાદ્ય ચટણીનો નાશ કરી ₹1,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, પ્રધ્યુમાન પાર્ક અને મવડી ચોકડી વિસ્તારમાં 'શિવધારા ફૂડઝોન'માંથી 8 કિલો અને 'શ્રી રામ કેન્ટીન'માંથી 5 કિલો વાસી ભાજીનો નાશ કરાયો હતો. સેન્ટ્રલ બસ સ્ટેન્ડની અંદર અને સામેના ભાગમાં આવેલી 14 દુકાનોમાંથી 41 કિલો તેમજ ઓમ નગર 40 ફૂટ રોડની 16 દુકાનો/રેકડીઓમાંથી 18 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગની આ કડક કાર્યવાહીથી અખાદ્ય સામગ્રી વેચતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application