રાજકોટમાં 25 મે, 2024ના રોજ કાલાવડ રોડ નજીક મોકાજી સર્કલ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા ભયંકર અગ્નિકાંડમાં બાળકો સહિત 30થી વધુ લોકોના મોતના કેસમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ શુક્રવારે મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી હતી. હાઇકોર્ટની સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા તરફથી જણાવાયું કે ટાઉન પ્લાનિંગ વિભાગના ચાર અધિકારી તથા ફાયર સ્ટેશન ઓફિસરને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે નિવૃત્ત ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાને માત્ર પ્રોવિઝનલ પેન્શન આપવાનો અને તેમની રજાના રોકડ રૂપાંતરનું ચૂકવણું અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા વતી સરકારી વકીલ જી. એચ. વિર્કે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું કે ટાઉન પ્લાનિંગ વિભાગના ઇજનેર ગૌતમ ડી. જોષી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ આર. મકવાણા, રાજેશ એન. મકવાણા, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ બી. ચૌધરી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત એ. વિગોરાને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ઉપરાંત નિવૃત્ત ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સામે પણ વિભાગીય પગલાંના ભાગરૂપે તેમને માત્ર પ્રોવિઝનલ પેન્શન ચૂકવવા અને રજાના રોકડ રૂપાંતરનો લાભ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
અહેવાલમાં વધુમાં જણાવાયું કે બરતરફ કરાયેલા અધિકારીઓને ભવિષ્યમાં કોઈપણ સરકારી નોકરી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તેમનો સસ્પેન્શનનો સમયગાળો 'નોન-ડ્યૂટી' ગણવામાં આવશે અને અન્ય કોઈ નાણાકીય લાભ પણ ચૂકવવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્ય અને દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પ્રાથમિક તપાસમાં મહાનગરપાલિકા સહિત સંબંધિત તંત્રોની ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનના મુદ્દા સામે આવતા ગુજરાત હાઇકોર્ટે સ્વયં સુઓ મોટો અરજી દાખલ કરી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર તથા સંબંધિત તંત્રોને નિર્દેશ આપ્યા હતા.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જી. એચ. વિર્ક, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તેમજ મૃતકોના પરિવારજનો તરફથી એડવોકેટ એન. આર. જાડેજા, પદ્મિની પરમાર, ભાવેશ હજારે અને રમેશ જાદવ હાજર રહ્યા હતા.
રાજકોટમાં કાલાવડ રોડ પર 25 મે 2024ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો હતો. જેમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપી સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જ્યારે એકનું આ અગ્નિકાંડમાં મોત નીપજ્યું હતું.
ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠક્કર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન લોઢાજૈન, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રેકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.