જામનગરના ધુંવાવ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની પેકેજ કામગીરી રૂ.૪૦ કરોડના ખર્ચે કરવામાં આવી છે. ત્યારે નવાઇની વાત એ છે કે, થોડા દીવસો પૂર્વે દીવસો સુધી એક બાજુનો માર્ગ બંધ રાખી ધુંવાવથી ઓવરબ્રીજ માર્ગ પર આ કામ પૂર્ણ થયું છે, ત્યારે ગટરના મોટાભાગના ઢાંકણા તૂટી ગયા છે. તો શું આ હલકી કામગીરીનો પુરાવો છે કે ભ્રષ્ટાચારનો ભોરીંગ તે સવાલ શહેરીજનોમાં ઉઠયો છે. બીજી બાજુ શહેરમાં ભૂગર્ભ ગટરની રોજની થોકબંધ ફરિયાદો, વિવાદો અને જંગી ખર્ચના કારણે વગોવાયેલી મહાપાલીકાની ભૂગર્ભ ગટર શાખામાં યુઘ્ધના ધોરણે સામૂહીક સફાઇની જરૂર હોવાનું મનપાના વર્તુળો અને શહેરભરમાં સરેઆમ ચર્ચાઇ રહ્યું છે.
જામનગરમાં જયારથી ભૂગર્ભ ગટર યોજના શરૂ થઇ ત્યારથી જંગી ખર્ચ અને કામગીરી બાબતે વિવાદોમાં રહી છે. અત્યાર સુધીમાં શહેરમાં ભૂગર્ભ ગટર યોજના પાછળ મનપાના કુલ બજેટ કરતા પણ વધુ જંગી ખર્ચ કરવામાં આવ્યો છે તે કહેવામાં અતિશિયોકતી નથી. આમ છતાં શહેરમાં રોજ ઠેક-ઠેકાણે ભૂગર્ભ ગટર ઉભરાવાની તથા નબળી કામગીરીની ફરિયાદોએ માઝા મૂકી છે. આથી શહેરીજનો સુવિધાના બદલે દુવિધાથી રીતસર પીડાઇ રહ્યા છે. પરંતુ મહાનગરપાલીકાના જવાબદારો શહેરીજનોની ફરિયાદો અને યાતનામાંથી શીખ લેવાને બદલે ઘોર બેદરકારી દાખવે છે એટલે કે સુધરવાનું નામ લેતા નથી. આટલું જ નહીં આ યોજનામાં ભ્રષ્ટાચાર ઉધઇની જેમ ઘર કરી ગયો હોવાની ફરિયાદો શહેરીજનોમાં સામાન્ય બની છે. આમ છતાં આ સડાને દૂર કરવાને બદલે ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે પણ કોન્ટ્રાકટ આપી ભ્રષ્ટાચારની એક પછી એક બારી ખોલવામાં આવી રહ્યાની ચોમેર ચર્ચા ખુદ મહાનગરપાલીકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં થઇ રહી છે.
શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની ફરિયાદો નવી નથી તો કામગીરી પણ છાશવારે વિવાદોમાં રહે છે. ત્યારે જામનગરમાં ધુંવાવ વિસ્તારમાં પેકેજ હેઠળ રૂ.૪૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી મનપા દ્રારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત ધુંવાવથી ઓવરબ્રીજ માર્ગ પર એક બાજુ થોડા દીવસો પૂર્વે જંગી ખર્ચે કામ હાથ ધરાયું હતું. આ માટે ઘણા દીવસો સુધી એકબાજુનો માર્ગ બંધ રાખવામાં આવતા વાહનચાલકો રીતસર ત્રાહીમામ પોકારી ગયા હતાં. આખરે ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું હતું. પરંતુ આ કામ પૂર્ણ થયાના થોડા દીવસોમાં આ માર્ગ પર મૂકવામાં આવેલા ભૂગર્ભ ગટરના મોટા ભાગના ઢાંકણા તૂટી ગયા છે. આ માર્ગ ટ્રાફીકથી સતત ધમધમતો હોય દરરોજ હજારો વાહનો આ ઢાંકણા પરથી પસાર થાય તે સ્વાભાવિક છે.
ત્યારે શું આ મહત્વની બાબતથી ભૂગર્ભ ગટર શાખાના અધિકારીઓ વાકેફ ન હોય તે માની શકાય તેમ નથી. આમ છતાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જતાં કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે. આટલું જ નહીં તૂટેલા ઢાંકણાના કારણે વાહનચાલકો પર ગંભીર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. ત્યારે તૂટેલા ઢાંકણાના કારણે કોઇ જીવલેણ અકસ્માત થશે તો જવાબદારી કોની તે અણીયારો સવાલ પણ ઉઠ્યો છે. ભૂગર્ભ ગટરની કામગીરી પાછળ અત્યાર સુધીમાં અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે જો પ્રારંભથી અત્યાર સુધી થયેલી ભૂગર્ભ ગટરની કામગીરી અને કરવામાં આવેલા અબજો રૂપિયાના ખર્ચની વીજીલન્સ તપાસ કરવામાં આવે તો મનપાના ઇતિહાસના સૌથી મોટા કૌંભાડ ખૂલવાની આશંકા પણ ખુદ મનપાના અતરંગ સૂત્રોએ વ્યકત કરી છે.
કામગીરી પૂર્ણ થયા બાદ શા માટે નિરીક્ષણ નહીં, શું ફકત લીંબડ જશ ખાટવા નો હેતુ..?
જામનગરમાં મહાનગરપાલીકા દ્રારા કરોડના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જે પ્રોજેકટ ચાલતા હોય તેનુું છાશવારે સ્થળ નીરીક્ષણ કરવા મનપાના સતાધીશો અને અધિકારીઓ દોડી જાય છે. પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ આ પ્રોજેકટ કે કામની કેવી હાલત છે, શું સ્થિતિ છે તેના નીરીક્ષણ માટે તથા જાળવણી યોગ્ય થાય તે માટે કોઇને રસ ન હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. ત્યારે ચાલુ કામગીરીએ નીરીક્ષણ કરી ફોટા પડાવી પ્રસિઘ્ધિ અને લીંબડ જશ ખાટવાનો કે પછી શહેરીજનોને ઉંધા ચશ્મા પહેરવાનો હેતુ છે સમજાતું નથી.
પેકેજ હેઠળ જંગી ખર્ચનો ખેલ?, ચર્ચાની સાથે તપાસનો વિષય
જામનગર મહાનગરપાલીકા દ્રારા ધુંવાવ વિસ્તારમાં પેકેજ હેઠળ રૂ .૪૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ધુંવાવ અને નજીકના માર્ગો અને વિસ્તારોનો સમાવેશ થતો હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું છે.ત્યારે જુદા-જુદા વિસ્તારોનો સમાવેશ કરી પેકેજ કામગીરી હેઠળ જંગી ખર્ચનો ખેલ તો નથી ને તે બાબત ચર્ચાની સાથે તપાસનો વિષય બની છે.