રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. મનપાના 18 વોર્ડની કુલ 72 બેઠકો પર હવે 236 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કુલ 6 ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી છે, જેમાં આમ આદમી પાર્ટીના 1, BSP ના 1 અને 4 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પક્ષવાર સ્થિતિ અને ત્રિપાંખિયો જંગ
રાજકોટમાં આ વખતે મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને 'આપ' વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. બેઠકોની વિગત નીચે મુજબ છે:
ભાજપ અને કોંગ્રેસ: બંને પક્ષો તમામ 72 બેઠકો પર પોતાના ઉમેદવારો સાથે મેદાનમાં છે.
આમ આદમી પાર્ટી: 'આપ' દ્વારા 69 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે.
અન્ય: BSP એ 9 બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે, જ્યારે બાકીની બેઠકો પર અપક્ષ ઉમેદવારો નસીબ અજમાવશે.
બિનહરીફનો અંત
નોંધનીય છે કે, રાજકોટ મનપાની આ ચૂંટણીમાં એક પણ બેઠક બિનહરીફ થઈ નથી, જેનો અર્થ છે કે તમામ 72 બેઠકો પર મતદાન થશે. 26 એપ્રિલે યોજાનારા મતદાનમાં ભાજપ અને કોંગ્રેસે પોતાની તમામ તાકાત ઝોંકી દીધી છે. ઉમેદવારોનું લિસ્ટ ફાઈનલ થતા જ હવે શહેરમાં પ્રચારનો ધમધમાટ તેજ બનશે.