ભાણવડના ધ્રામણીનેશ સીમમાંથી દેશી દારૂ બનાવવાનો ૨૦૦૦ લીટર આથો ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની બંદી નેસ્તનાબુદ કરવા મળેલી કડક સુચનાઓ અન્વયે પોલીસે મોટી સફળતા મેળવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા અને ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ દ્વારા પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માટે આપેલા ખાસ માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.કોઠીયાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ નારણભાઇ પબાભાઇ બેલા તથા પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઇ ફોગાભાઇ ખાટલીયાને સંયુક્ત રીતે ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી. આ મળેલ હકીકતના આધારે પોલીસે ધ્રામણીનેશથી વી-નેશ તરફ જવાના રસ્તે આવેલા રાવણાના ઝાડ નીચે, બાવળની કાંટાળી ઝાળીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની કાચી ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો કુલ ૨૦૦૦ લીટર કાચો આથો, જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૦,૦૦૦ થાય છે, તે મુદ્દામાલ શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ દરોડા દરમિયાન ધ્રામણીનેશ (રાણપર ગામ, તા. ભાણવડ) નો રહેવાસી આરોપી વિનુભાઇ ભુરાભાઇ રબારી નામનો શખ્સ પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પોલીસે ફરાર જાહેર કરી આગળની તપાસ શરૂ કરી છે. આ સફળ કામગીરીમાં ભાણવડ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે.કોઠીયા, એ.એસ.આઈ. જયપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ નારણભાઇ બેલા, કિશોરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઇ ખાટલીયા સહિતનો સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.