BREAKING NEWS

અમદાવાદ સિવિલમાં રેર ઓફ ધ રેર સર્જરી... 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવી, માસુમને નવજીવન આપ્યું

  • December 01, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેર ઓફ ધ રેર કહી શકાય તેવી એક સર્જરી કરવામાં આવી છે. જેમાં 15 વર્ષના બાળકની હોજરી ખેંચી તેમાંથી અન્નનળી બનાવી તેને નવજીવન આપ્યું છે. આ સર્જરીમાં સફળતા મેળવનાર તબીબોની ટીમને હોસ્પિટલ તંત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. 


બાળકને સામાન્ય જીવન આપ્યું

મળતી માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોની ટીમે માત્ર 15 મહિનાના બાળક પર અત્યંત દુર્લભ ગણાતી 'ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી' સફળતાપૂર્વક કરીને, જન્મથી જ ટ્યુબ દ્વારા ભોજન લેવા મજબૂર બાળકને સામાન્ય જીવન આપ્યું છે.


બાળકને જન્મથી જ ઈસોફેજીયલ એટ્રીસીયા નામની દુર્લભ જન્મજાત ખામી હતી

મહારાષ્ટ્રના મુંબઈના રહેવાસી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધવલ ઉનડકટ અને અમીબેનના 15 મહિનાના પુત્ર હિમાંક્ષને જન્મથી જ ઈસોફેજીયલ એટ્રીસીયા નામની દુર્લભ જન્મજાત ખામી હતી. પીડિયાટ્રિક સર્જરી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ઈસોફેજીયલ એટ્રીસીયા 4000 બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ ખામી છે, જેમાં બાળકને અન્નનળી બનેલી જ નહોતી. જન્મ સમયે તાત્કાલિક ઓપરેશન કરીને ગળામાં કાણું કરવામાં આવ્યું હતું, જેથી લાળ બહાર આવે અને હોજરીમાં ટ્યુબ મૂકવામાં આવી, જેના દ્વારા 15 મહિના સુધી હિમાંક્ષ ખોરાક લેતો હતો.​​​​​​​


ખાનગી હોસ્પિટલમાં જટિલ સર્જરી માટે આશરે 8 લાખ રૂપિયાનો ખર્ચો જણાવ્યો

વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલો દ્વારા આ જટિલ સર્જરી માટે આશરે આઠ લાખ રૂપિયાનો ખર્ચો જણાવવામાં આવ્યો હતો. જો કે, અન્ય દર્દીઓની સફળ સારવાર વિશે જાણીને હિમાંક્ષના માતા-પિતાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો હતો. 29-10-2025ના રોજ ડો. રાકેશ જોષી (પ્રોફેસર, પીડિયાટ્રિક સર્જરી વિભાગ) અને ડો. નમ્રતા શાહ (એસોસિયેટ પ્રોફેસર, એનેસ્થેસિયા વિભાગ) દ્વારા આ ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ સર્જરીમાં હોજરીને ખેંચીને તેમાંથી નવી અન્નનળી બનાવવામાં આવી હતી, જેથી બાળક હવે મોઢેથી ખોરાક લઈ શકે છે.


સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પીરિયડ કોઈ પણ તકલીફ વગરનો રહ્યો

સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પીરિયડ કોઈ પણ તકલીફ વગરનો રહ્યો હતો અને બાળકે જીવનમાં પહેલીવાર મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું. હિમાંક્ષને પહેલીવાર મોંઢેથી ખોરાક લેતાં જોઈને તેના માતા-પિતા સહિતના પરિવારજનો હરખનાં આંસુઓ સાથે ગદગદિત થઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો આભાર માન્યો હતો. બાળકની સ્થિતિ સામાન્ય અને સંતોષકારક જણાતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application