શહેરમાં જુદા જુદા 11 દરોડામાં 290 બોટલ દારૂ સાથે 13 ઝડપાયા

  • March 13, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
હોળી-ધુળેટીના તહેવારની ઉજવણીમાં દારૂ પૂરો પાડવા નાના-મોટા બુટલેગરો દ્વારા દારૂ ઉતારી વેંચાણ કરવા માટે સક્રિય બનતા હોય છે અને ધુળેટી પર્વમાં દારૂ પી ને ડમડમ થઇ ખેલ કરી ઉજવણીમાં કેટલાક લોકો ખલેલ પહોંચાડતા હોવાથી આવી પ્રવૃતિઓ અગાઉથી જ રોકવા માટે શહેર પોલીસ દ્વારા

ગઈકાલે ચેકીંગ અને પેટ્રોલિંગ દરમિયાન 11 સ્થળેથી દારૂ વેચનાર અને પીનાર 13 શખ્સોને 290 બોટલ દારૂ-15 બીયરના ટીન સાથે ઝડપી લઇ કાર, બાઈક, મોબાઈલ અને દારૂનો જ્થ્થો મળી કુલ રૂ. 3,79,789નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. આ દરોડાની કાર્યવાહી પીસીબી, એ-ડિવિઝન, બી-ડિવિઝન, આજીડેમ અને યુનીવર્સીટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. દરોડામાં સપ્લાયરોએ સગીર બાળકોનો ઉપયોગ કરતા પોલીસે બે સગીરને દારૂ સાથે ઝડપ્યા હતા.


મનહરસોસાયટીમાં પીસીબીએ મકાનમાંથી 122 બોટલ દારૂ સાથે શખસને ઝડપ્યો

માર્કેટિંગ યાર્ડ નજીક મનહર સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી 122 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે મકાન માલીક શખ્સને ઝડપી લઈ પૂછતાછ હાથ ધરતા રાજમોતી મિલ પાછળ રહેતા શખસે દારૂ આપ્યાની કબૂલાત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ હાથ ધરી હતી.

પીસીબીના ઇન્ચાર્જ પીઆઈએઆર એમ.આર. ગોંડલિયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, યાર્ડ નજીક આવેલી મનહર સોસાયટીમાં રહેતો જયેશ લખમણભાઇ કતકપરા પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂ વેંચાણ માટે ઉતાર્યો છે. જે બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી મકાનમાં છુપાવેલો 122 બોટલ દારુ કી.રૂ.40,418નો જપ્ત કરી મકાન માલીક જયેશ કતકપરાને ઝડપી લઈ દારૂ ક્યાંથી આવ્યો અંગેની પુછપરછ કરતા આ દારૂ રાજમોતી મિલની પાછળ, બિનટેક્સ કારખાના પાસે રહેતા ધવલ ધીરેનભાઈ પુજારા પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા પોલીસે ધવલ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.


યુનિવર્સીટી પોલીસે ઘરમાંથી 72 બોટલ દારૂ ઝડપ્યો

યુનિવર્સીટી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, શ્યામ પ્રસાદ મુખર્જી ટાઉનશીપમાં એ વિંગમાં ફ્લેટ નં-1102માં રહેતો ભાવીન દેવરાજભાઇ સોલંકી મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખી વેંચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે ઘરમાં તપાસ કરતા 72 બોટલ ઈંગ્લીશ દારૂ કી.રૂ.7200નો મળી આવતા કબ્જે કરી શખસને ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. જયારે બીજા દરોડામાં સનાતન સાઈટ પર ચેકીંગ દરમિયાન પસાર થતા ઍક્સેસ સ્કૂટરને રોકી ચાલક પાસે રહેલા થેલામાં તપાસ કરતા દારૂની 72 બોટલ કી.રૂ.7200ની મળી આવતા ચાલક ધવલ નરેન્દ્રભાઈ ચૌહાણ (રહે-મવડી, નવલનગર શેરી નં-9)ની અટકાયત કરી દારૂ અને એક્સેક સ્કૂટર કબ્જે કરી કાર્યવાહી કરી છે.


દૂધ સાગર રોડ પરથી 20 બોટલ દારૂ સાથે સગીર પકડાયો: એકની શોધ

પીસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે દૂધ સાગર રોડ પરથી સર્વિસ રોડ તરફ જતા રસ્તે પસાર થતા સગીરને રોકી તલાસી લેવામાં આવતા તેના હાથમાં રહેલી બેગમાંથી દારૂની 20 બોટલ કી.રૂ.30,334ની મળી આવતા દારૂ કબ્જે કરી કાયદાથી સંઘર્ષીત સગીરની પુછપરછ કરતા આ દારૂ મેંગો માર્કેટ પાછળ, ખોડલધામ સોસાયટીમાં રહેતા પિયુષ રમેશભાઈ ચોવટીયા એ મગાવ્યો હોવાનું જણાવતા પિયુષ ને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.



વેલનાથ પરા પુલ પાસેથી કારમાં લઇ જવાતો 36 બોટલ દારૂ મળી આવ્યો

વેલનાથ પરા પુલ પાસેથી કારમાં લઇ જવાતો 36 બોટલ દારૂ સાથે ચાલકને ઝડપી પાડી દારૂ અને કાર મળી કુલ રૂ. 1.35 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.ગત સાંજે બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે વેલનાથપરા પુલ પાસેથી પસાર થતી જીજે-05-સીએલ-2082 નંબરની કારને રોકી તલાસી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની 36 નંગ બોટલ મળી આવતા દારૂ અને કાર મળી કુલ રૂ.1,35,056નો મુદામાલ કબ્જે કરી ચાલક હરેશ ઉર્ફે ભૂરો મોતીભાઈ જાદવ (રહે-બેડી વાછકપર)ને ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.



લોહાનગરમાંથી બીયરના 15 ટીન સાથે યુવક પકડાયો

એ-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે લોહાનગર મફતિયા પરા રોડ પરથી શંકાસ્પદ રીતે બેગ લઈને પસાર થતા શખસને રોકી નામ પૂછતાં પોતાનું નામ પાર્થ પ્રવીણભાઈ શુક્લા (રહે-ચામુંડાનગર શેરી નં-1, બાલાજી હોલ, ખીજડાવાળો રોડ) હોવાનું જણાવતા પોલીસે તેની પાસે રહેલી બેગની તલાસી લેતા તેમાંથી બીયરના 15 ટીન કી.રૂ.3375ના મળી આવતા કબ્જે કરી શખ્સની ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.



જિલ્લા ગાર્ડન ચોકમાંથી દારૂની બોટલ સાથે યુવક ઝબ્બે

એ ડિવિઝન પોલીસે જિલ્લા ગાર્ડન ચોકમાંથી પસાર થતા શખ્સને રોકી તલાસી લેતા કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા જપ્ત કરી કિશન વિજયભાઈ ફીચડીયા (રહે -લક્ષમણ ટાઉનશીપ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે)ને ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.



પેડકરોડ પરથી દારૂના ચપલા સાથે શખસ સપડાયો

બી ડિવિઝન પોલીસે પેડક રોડ પર સેટેલાઇટ ચોક નજીકથી વિશાલ ભરતભાઈ મકવાણા (રહે-દૂધ સાગર રોડ, શિવાજીનગર-1)ને દારૂના ચપલા સાથે ઝડપી પાડી કાર્યવાહી કરી છે.



યાર્ડ પાસેથી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

બી ડિવિઝન પોલીસે માર્કેટિંગ યાર્ડ પાસે કરણાભાઇ ગાર્ડન રેસ્ટોરન્ટ નજીકથી પસાર થતા શખ્સને રોકી તલાસી લેતા શખ્સના કબ્જા માંથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા કબ્જે કરી નામ પૂછતાં પોતાનું નામ મયુર રેવાભાઈ બોસરીયા જણાવતા પોલીસે અટકાયત કરી ગુનો નોંધ્યો છે.



સામાકાંઠે દારૂની બોટલ સાથે સગીર બાઈક ચાલક ઝબ્બે

જુના મોરબી રોડ પર ધોળકિયા સ્કૂલ નજીક આવેલી દ્વારકેશ પાનની દુકાન પાસેથી ઇલેક્ટ્રિક બાઈક લઈને નીકળેલા સગીરને બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે રોકી બાઈકની તલાસી લેતા તેમાંથી દારૂની બોટલ નંગ-1 મળી આવતા દારૂની બોટલ, ઇલેક્ટ્રિક બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ.1,14,673નો મુદામાલ કબ્જે કરી રોહિદાસ પરામાં રહેતા સગીર સામે કાર્યવાહી કરી હતી.



હુડકો ચોકડી નજીક દારૂ સાથે નીકળેલી બાઈક સવાર બેલડી પકડાઈ

આજીડેમ પોલીસ સ્ટાફ હુડકો ચોકડી પાસે ચેકિંગમાં હોય ત્યારે પસાર થતા બાઈક સવાર બે શખ્સોને રોકી નામ પૂછતાં પોતાના નામ કિશન પ્રવીણભાઈ હાડા અને બીજાનું આમ હરી શંકર રામચરણ તિવારી (રહે-બંને લોઠડા)ના હોવાનું જણાવતા બંનેની તલાસી લેતા કબ્જામાંથી દારૂની બોટલ મળી આવતા બાઈક અને દારૂ મળી કુલ રૂ.30686નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application