જામનગરમાં બે વિદ્યાર્થી આરટીઇ પ્રવેશથી વંચિત: એનએસયુઆઇ દ્વારા રજુઆત

  • May 12, 2026 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બે વિદ્યાર્થી આરટીઇ પ્રવેશથી વંચિત: એનએસયુઆઇ દ્વારા રજુઆત

વેરિફિકેશન ટીમની ગંભીર ભૂલથી ગરીબ વાલીઓને નુકસાન, જવાબદાર સામે કાર્યવાહી તથા વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગ

જામનગર શહેર જિલ્લા એનએસયુઆઈ તથા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને લેખિત રજૂઆત કરીને આરટીઈ વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રવેશ પ્રક્રિયામાં થયેલી ગંભીર બેદરકારી મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે જિલ્લા કક્ષાની વેરિફિકેશન પ્રક્રિયામાં થયેલી ભૂલોના કારણે બે વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ મળનારા પ્રવેશથી વંચિત રહી ગયા છે.

એનએસયુઆઈ દ્વારા જણાવાયું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકો માટે આરટીઈના ફોર્મ નિ:શુલ્ક ભરવાની સેવા જામનગરમાં ચલાવવામાં આવે છે. આ વખતે બે કેસોમાં શિક્ષણ વિભાગની વેરિફાયર ટીમની ગંભીર બેદરકારી સામે આવી છે.

પ્રથમ કેસમાં એક વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે ભૂલથી પોતાની કેટેગરી અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ તરીકે પસંદ કરી દીધી હતી, જ્યારે ડોક્યુમેન્ટ તરીકે અન્ય પછાત વર્ગનું પ્રમાણપત્ર અપલોડ કરવામાં આવ્યું હતું. છતાં પણ જિલ્લા કક્ષાની વેરિફાયર ટીમ દ્વારા તે ફોર્મ ચકાસી મંજૂર કરવામાં આવ્યું અને વિદ્યાર્થીને શાળા પણ ફાળવાઈ ગઈ હતી. બાદમાં શાળાએ કેટેગરી અનુસાર દસ્તાવેજો માંગતા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને અંતે વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહ્યો.

બીજા કેસમાં વિદ્યાર્થીએ આર્થિક રીતે નબળા વર્ગની કેટેગરી પસંદ કરી હતી પરંતુ દસ્તાવેજ તરીકે બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર અપલોડ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં વાલીને ફોર્મ મંજૂર થયાનો સંદેશ મળતા તેઓ નિશ્ચિંત બની ગયા હતા, પરંતુ બાદમાં ફોર્મ રદ થયાનો સંદેશ આવ્યો. સમયસર યોગ્ય માર્ગદર્શન અને જાણ ન મળતાં વાલી દસ્તાવેજોમાં સુધારો કરી શક્યા નહોતા અને અંતે વિદ્યાર્થીનું ફોર્મ પણ રદ થઈ ગયું હતું.

એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું છે કે જો જિલ્લા કક્ષાની વેરિફાયર ટીમ સમયસર યોગ્ય ચકાસણી અને માર્ગદર્શન આપતી તો બંને વિદ્યાર્થીઓ આજે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી શક્યા હોત. સંગઠને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તેમજ બંને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application