રાજકોટમાં પોલીસની ઓસરતી જતી ધાકનો પરચો હવે ખુદ પોલીસને જ મળી રહ્યો છે. સામાન્ય નાગરિકની સલામતી તો બાજુએ રહી હવે ખુદ પોલીસ જ અસલામત હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. નવાગામમાં કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી મોબાઈલની લૂંટ ચલાવી કુખ્યાત સંજય ઉર્ફે ટકો સહિત બે શખસો નાસી છુટયા હતાં. જે અંગે લુંટ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી બેલડીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. બનાવ અંગે મવડી ફાયરબ્રિગેડ પાસે માયાણીનગરમાં રહેતાં અને કુવાડવા રોડ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ વઘાસીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજય ઉર્ફે ટકો રોજાસરા, દિપક પલારીયા (રહે. બંને રંગીલા સોસાયટી, નવાગામ, રાજકોટ) નું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે લૂંટ, ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે વર્ષથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને આઠેક મહીનાથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફાળવેલ ૧૧૨ જનરક્ષક બેડી ગામ ખાતેની ગાડીમાં ફરજ બજાવે છે. ૧૧૨ જનરક્ષકમાં એક મોબાઇલ ફોન ફાળવેલ છે, જેમા જનરક્ષક કંટ્રોલ તરફથી કોઈ કોલ આવે તો તુરંત રવાના થઇએ છીએ અને કોલ પુરો કરી બાદ તે મોબાઇલ ફોનમાં કોલ પુરો કરેલની એન્ટ્રી કરે છે. ગઇ રાતે ૧૨ વાગ્યાથી આજે સવારના ૮ વાગ્યા સુધીની નોકરી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ફાળવેલ ૧૧૨ જન રક્ષક બેડી ગામ ખાતેની હતી. ફરજ દરમિયાન સાથે ડ્રાઇવર તરીકે પ્રભાતભાઈ હતા. ફરજ દરમિયાન ૧૦:૨૮ વાગ્યે ૧૧૨ જન રક્ષક કંટ્રોલ તરફથી કોલ આવેલ જેમા દીપકભાઇએ કોલ કરેલ જે કોલ પ્રોપર્ટી ઓફેન્સીસનો હોવાનુ જણાવેલ જેથી રાજકોટ-અમદાવાદ હાઇવે રોડ ઉપર પટેલ વિહાર રેસટોરન્ટ પાસે હતા, ત્યાથી કોલ મળતાની સાથે ૧૦:૨૯ વાગ્યે રવાના થયેલ અને ચાલુ ગાડીએ કોલ કરનાર દિપકભાઈને ફોન કરી શું બાબતે કોલ કરેલ તે બાબતે પુછતા તેઓના ઘર પાસે અમુક લોકો ઝઘડો કરવા આવેલ હોવાનુ જણાવેલ હતું. જેથી તેના ઘરનુ સરનામું પુછતા નવાગામ આણંદપર રંગીલા સોસાયટી હોવાનું જણાવેલ. જે બાબતે રાજકોટ સીટી પોલીસ કંટ્રોલરૂમ ખાતે ૧૦:૩૧ વાગ્યે એન્ટ્રી પડાવી અને ૧૦:૩૫ વાગ્યે કોલવાળી જગ્યા નવાગામ આણંદપર રંગીલા સોસાયટી સોમનાથ રેસીડન્સીની સામે પહોચેલ અને કોલ કરનાર દિપકભાઈને મળેલ અને તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ દિપક ઉર્ફે ભુરો પલારીયા હોવાનુ જણાવેલ હતું. તેઓને કોલ બાબતે પુછવા જતા તેઓએ કહેલ કે, તમે કેમ મોડા આવ્યા જેથી જણાવેલ કે, અમને કોલ મળતા તુરંત આવ્યા છીએ, તેમ વાત ચાલુ હતી તે દરમિયાન નવાગામ ખાતે રહેતો સંજય ઉર્ફે ટકો રોજાસરા ઘસી આવી બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી આ સંજયને માથાકુટ કરવાની ના પાડતા તે વધુ ઝપાઝપી કરી ગાળો આપવા લાગેલ અને ફરીયાદી પાસે રહેલ રૂ.૪૦ હજારનો આઇફોન મોબાઇલ લુંટીને કોલ કરનાર દિપક પલારીયા સાથે પોતાનુ એકસેસ લઇને ભાગી ગયા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી નામચીન સંજય ઉર્ફે ટકો સહિત બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application