માતાની અસંમતિના કારણે લગ્ન કરવાની ના પડવી ગુનો ન ગણાય: ગુજરાત હાઈકોર્ટ

  • May 13, 2026 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ નિરીક્ષણ કરતાં જણાવ્યું કે માત્ર માતાની અસંમતિનું બહાનું આપીને કોઈ વ્યક્તિ લગ્નના ખોટા વચનના આધારે બનેલા શારીરિક સંબંધોના આરોપોમાંથી બચી શકતો નથી. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે જો કોઈ પુરુષ શરૂઆતથી જ લગ્ન કરવાનો ઈરાદો ન રાખતો હોય અને માત્ર શારીરિક સંબંધ બાંધવા માટે ખોટું વચન આપે, તો તે ગંભીર ગુનો ગણાય છે અને તેની યોગ્ય તપાસ થવી જ જોઈએ. આ કેસમાં કોર્ટે એક એનઆરઆઈ વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની અરજી નામંજૂર કરી. આરોપી પર બીએનએસ કલમ ૬૯ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કલમ મુજબ છેતરપિંડીથી, ખાસ કરીને લગ્નના ખોટા વચન દ્વારા, શારીરિક સંબંધ બાંધવો દંડનીય ગુનો છે. એફઆઈઆર મુજબ, ઝાંબિયાનો કાયમી રહેવાસી આરોપી નવેમ્બર 2022માં સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં બંને વચ્ચે નજીકનો સંબંધ વિકસ્યો. યુવતીએ આરોપ મૂક્યો કે ફેબ્રુઆરી 2024માં આરોપીએ તેને વડોદરા બોલાવી હતી અને 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન હોટેલમાં સાથે રોકાયો હતો. આ દરમિયાન આરોપીએ ડિસેમ્બર 2024માં લગ્ન કરવાની ખાતરી આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરંતુ જાન્યુઆરી 2025માં આરોપીએ અચાનક લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને જણાવ્યું કે તેની માતા આ સંબંધ માટે સંમત નથી. ત્યારબાદ યુવતીએ મે 2025માં એફઆઈઆર નોંધાવી હતી. આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરીને દલીલ કરી કે સંબંધ સંપૂર્ણપણે સહમતિથી હતો અને લગ્ન અંગે તે ગંભીર હતો. તેણે યુવતીને આર્થિક મદદ, ભેટો આપવી અને તેના પરિવાર સાથે સંપર્ક રાખવો જેવી બાબતોનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેની માતાની અસંમતિને કારણે લગ્ન થઈ શક્યા નહીં. પરંતુ ન્યાયમૂર્તિ જસ્ટીસ એમકે ઠાકરએ નોંધ્યું કે આરોપીના વર્તન પરથી પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે લગ્નનો વાયદો માત્ર શારીરિક ઇચ્છા સંતોષવા માટે કરવામાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, માત્ર માતા સંમત નથી એવું કહેવું સચ્ચાઈભર્યો અથવા નિયંત્રણ બહારનો કારણ માનવામાં આવી શકે નહીં. સંબંધ બાંધતા પહેલાં આરોપીએ પરિવારની સંમતિ લેવી જોઈતી હતી. કોર્ટે અંતે જણાવ્યું કે મામલાની સંપૂર્ણ તપાસ અને ટ્રાયલ જરૂરી છે, તેથી એફઆઈઆર રદ કરી શકાય નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application