તત્કાલીન રાજકોટ તાલુકા PI ‌ગોસાઈને બે વર્ષની જેલની સજા, મોટા મવાના સરપંચની હત્યામાં નામ નહિ ખોલવા લાંચની માંગણી કરી હતી

  • May 05, 2026 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના મોટા મવા ગામના સરપંચના ખૂન કેસમાં નામ નહીં ખોલાવવા માટે માંગેલ લાંચનો દોઢ લાખનો બીજો હપ્તો સ્વીકારવાના 17 વર્ષ પહેલાના કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ સી.પી. ગોસાઇને સ્પેશિયલ એસીબી કોર્ટે બે વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૧૦ હજાર દંડનો હુકમ કર્યો છે.


આ કેસની હકિકત મુજબ, મોટામવા ગામના તત્કાલીન સરપંચ મયુર તળશીભાઈ શિંગાળાની તા.૧૮/ ૧૧/ ૨૦૦૯ના રોજ હત્યા થઈ હતી. જે કેસમાં રમેશભાઈ રાણાભાઈ મકવાણાની સંડોવણી હોવાની રજુઆતો થઈ હતી. તેમાં જે તે વખતના તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ચંદુલાલ પી. ગોસાઈએ રમેશભાઈ મકવાણાને બોલાવી તેનું નામ ન ખોલાવવા માટે રૂા. ૧૫ લાખની લાંચની માંગણી કરી હતી. તેમાં રકઝકના અંતે સાડા ત્રણ લાખમાં સેટલ થયું હતું. આ રકમ પૈકી રૂપિયા બે લાખ ફરીયાદી રમેશભાઈએ ટ્રેપના દિવસે સાંજના સમયે આપી દીધા હતા. પરંતુ પીઆઇ સી.પી. ગોસાઈએ બાકીના દોઢ લાખ રાત સુધીમાં પોલીસ સ્ટેશને પહોંચાડી દેવા જણાવ્યું હતું. ફરીયાદીએ આ અંગે સાંજના સમયે એ.સી.બી.માં ફરીયાદ કરી કરી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે લાંચનું છટકુ ગોઠવી પીઆઇ સી.પી. ગોસાઈને તેની ચેમ્બરમાં જ રમેશભાઈ પાસેથી બાકીના રૂપિયા દોઢ લાખ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. ટ્રેપના દિવસે જ પીઆઇ સી.પી. ગોસાઈની ઘરની ઝડતી તપાસ દરમ્યાન રૂ. 3.31 લાખ રોકડા મળી આવ્યા હતા.


આ કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બચાવ પક્ષ દવારા રજુઆતો કરાવામાં આવી હતી કે, ફરીયાદીએ તેમને ખોટી રીતે ફસાવવા માટે ટેબલ ઉપર નોટોનું બંડલ મુકી જતા રહેલ છે. આરોપી તેમને આ રકમ પાછી આપવા પાછળ ગયેલ, પરંતુ તે દરમ્યાન આરોપીને ટ્રેપમાં ઝડપી લેવામાં આવેલ હતા. તેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે, કોઈપણ કેસનો આરોપી પોતાની નિર્દોષતાના પુરાવા આપે તો પોલીસે તે પુરાવા લેવા પડે અને પુરાવા ન આપે તો ગુનેગાર ગણી તેની ધરપકડ કરવી જોઈએ. આમ કરવાના બદલે આરોપી સી.પી. ગોસાઈએ ફરીયાદી રમેશભાઈને ૨-૩ વખત પોલીસ સ્ટેશને બોલાવેલ, જે વર્તણુક સાબિત કરે છે કે આ દરમ્યાન લાંચની રકમની પતાવટ થતી હતી. કોઈ વ્યકિત પોલીસ સ્ટેશનની અંદર આવી મુખ્ય પોલીસ અધિકારીને લાંચના ખોટા કેસમાં ફસાવે તે અશકય છે. ચાર્જશીટ કરવા માટે આરોપીના ઉપરી અધિકારી પાસેથી પુર્વ મંજુરી લેવામાં આવતી હોય છે. આ સમયે પણ આરોપી સી.પી. ગોસાઈએ પોતાના ઉપરી અધિકારીને પોતાના બચાવ અંગેની કોઈ રજુઆત કરેલ નથી. વધુમાં આરોપી સી.પી. ગોસાઈના હાથ ઉપર ફીનોપથેલીન પાવડરની હાજરી વૈજ્ઞાનિક પરીક્ષણ મુજબ જણાઈ આવે છે, ત્યારે આરોપીએ આ રકમ લાંચ પેટે જ માંગેલ અને મેળવેલ છે તે સાબિત થાય છે. આ મતલબની દલીલો ગ્રાહ્ય રાખી એ.સી.બી. સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણાએ આરોપી ચંદુલાલ પુજગર ગોસાઈ (ઉ.વ.72)ને તકસીરવાર ઠરાવી બે વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application