ઝઘડિયામાં કેમિકલ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ શ્રમિકો દાઝ્યા, વિસ્ફોટનો અવાજ 2-3 કિમી દૂર સુધી સંભળાયો

  • April 23, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં આજે ફરી એકવાર સુરક્ષાના પ્રશ્નો ઉભા કરતી મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ નામની કેમિકલ કંપનીના પ્લાન્ટમાં અચાનક ભયાનક વિસ્ફોટ થયો હતો. આ પ્રચંડ બ્લાસ્ટને કારણે આસપાસની જમીન ધ્રૂજી ઉઠી હતી અને જોતજોતામાં કંપની આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં દસથી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક કોઈ કારણોસર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ બેથી ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટ બાદ આકાશમાં કાળા ધુમાડાના કાળાડિબાંગ ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને જોઈને આસપાસની કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ મચી ગયો હતો અને લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા.


આ કરુણ દુર્ઘટના સમયે પ્લાન્ટમાં અનેક શ્રમિકો પોતાની ફરજ બજાવી રહ્યા હતા. વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગમાં દસથી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


ઘટનાની જાણ થતા જ ઝઘડિયા જીઆઇડીસી સહિત અંકલેશ્વર અને ભરૂચથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કેમિકલ હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા 'વોટર કેનન' અને 'ફોમ'નો મારો ચલાવવામાં આવ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આગ પર આંશિક કાબૂ મેળવી શકાયો છે, પરંતુ હજુ પણ કુલિંગ કામગીરી ચાલુ છે.


આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બ્લાસ્ટ પાછળનું ટેકનિકલ કારણ શું હતું? શું કંપનીમાં સુરક્ષાના સાધનો અને નિયમોનું પાલન થતું હતું કે કેમ? તે દિશામાં ફેક્ટરી ઈન્સ્પેક્ટર અને જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે. ઉદ્યોગ જગતમાં વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application