કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત, આપ પ્રમુખ પર ભાજપનો શીશ મહેલ પાર્ટ-2નો આરોપ

  • April 25, 2026 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના રાજકારણમાં ફરી એકવાર 'બંગલા પોલિટિક્સ' ગરમાયું છે. ભાજપના નેતા પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલના નવા આવાસને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે, જેની સામે આમ આદમી પાર્ટીએ પણ વળતો પ્રહાર કર્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર પોતાના નિવાસસ્થાનને લઈને વિવાદોમાં ઘેરાયા છે.


ભાજપના નેતા પ્રવેશ વર્માએ આક્ષેપ કર્યો છે કે સાદગીનો દાવો કરનારા કેજરીવાલ હવે દિલ્હીના સૌથી મોંઘા વિસ્તાર '94-95 લોધી એસ્ટેટ' માં શિફ્ટ થઈ ગયા છે. પ્રવેશ વર્માએ કટાક્ષ કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું નામ હવે આલીશાન આદમી પાર્ટી હોવું જોઈએ. તેમણે સવાલ કર્યો કે આ બંગલાના રિનોવેશનમાં કેટલા પૈસા ખર્ચાયા અને તે કોના હતા?


ભાજપનો દાવો છે કે કેજરીવાલ અને તેમના સાથીઓએ પંજાબના મુખ્યમંત્રી આવાસ નજીકના 4 મોટા સરકારી બંગલાઓ પર પણ કબજો જમાવ્યો છે. વર્માએ આરોપ લગાવ્યો કે જ્યારે દિલ્હી કોરોના સામે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે પણ કેજરીવાલના શીશમહેલ'નું કામ એક દિવસ માટે પણ અટક્યું નહોતું.


આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભાજપના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે પ્રવેશ વર્મા દ્વારા સોશિયલ મીડિયા પર જે તસવીરો જાહેર કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ફેક (નકલી) છે. આ તસવીરો કેજરીવાલના ઘરની નથી અને ભાજપ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.


અણ્ણા હજારેએ પણ તાજેતરમાં રાઘવ ચઢ્ઢાના રાજીનામા અને પાર્ટીની સ્થિતિ માટે કેજરીવાલને જવાબદાર ઠેરવ્યા હોવાના અહેવાલો વચ્ચે આ નવો વિવાદ આપ માટે મુશ્કેલીઓ વધારી શકે છે. હાલમાં દિલ્હીમાં 'બંગલા પોલિટિક્સ' ચરમસીમાએ છે અને બંને પક્ષો સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે.


પ્રવેશ વર્મા દ્વારા બહાર પાડવામાં આવેલા બધા ફોટા નકલી: આપ

આપ રાજ્યસભાના સાંસદ સંજય સિંહે પરવેશ વર્મા પર પ્રહાર કરતા કહ્યું, પ્રવેશ વર્મા દ્વારા જાહેર કરાયેલા કેજરીવાલજીના ઘરના ફોટા સંપૂર્ણપણે નકલી છે. હું રેખા ગુપ્તાજી, લેફ્ટનન્ટ ગવર્નર અને પ્રવેશવર્માને પડકાર ફેંકું છું કે તેઓ પોતપોતાના ઘરો જનતા માટે ખોલે. જો અરવિંદ કેજરીવાલજી પોતાનું ઘર ખોલે છે, તો જનતા નક્કી કરી શકશે કે કોનું ઘર ખરેખર કેટલું વૈભવી છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપ ધારાસભ્ય આતિશીએ પોસ્ટ કરી કે પ્રવેશ વર્મા દ્વારા બહાર પાડવામાં આવેલા બધા ફોટા નકલી છે. તે કેજરીવાલજીના ઘરના ફોટા નથી. કોનું ઘર કેટલું વૈભવી છે તે નક્કી કરવા માટે, રેખા ગુપ્તાજી અને એલજી સાહેબે પોતપોતાના ઘરો ખોલવા જોઈએ, અને કેજરીવાલજી પોતાનું ઘર ખોલશે. પછી જનતા પોતે નક્કી કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application